Site icon Revoi.in

ગુજરાત, સેલવાસ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ લીધી વિદાય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયા બાદ અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી પાક નિષ્ફળ જવાની ચિંતામાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી છવાઈ હતી. એટલું જ નહીં ગુજરાતના જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ હતી. જેના પરિણામે ઉનાળાના આકરા દિવસોમાં પાણીની સમસ્યા સર્જાવવાની ચિંતામાંથી મુક્તિ મળી છે. દરમિયાન ગુજરાતમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. આ વર્ષે ચોમાસામાં સરેરાશ 95 ટકા વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી પણ ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર તા. 6 ઓક્ટોબરથી દેશમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયનો પ્રારંભ રાજસ્થાનથી થયા બાદ ગુજરાતમાંથી પણ ક્રમશઃ ચોમાસું પાછું ખેંચાયું છે. અમદાવાદ, સુરત રાજકોટ, પોરબંદર અને ગાંધીનગરમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ આજે સમગ્ર રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જેની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે. એટલું જ નહીં દેશના અન્ય ભાગોમાંથી પણ નૈઋત્યનું ચોમાસુ ઝડપભેર પાછું ખેંચાઈ રહ્યું છે. ગુજરાત ઉપરાંત ઔરંગાબાદ અને સેલવાસમાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછુ ખેચાઇ ગયું છે. જો કે, દેશના કેટલાક રાજ્યોમાં પાછોતરા વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય ઝોનમાં મેધરાજા મનમુકીને વરસ્યાં છે. જેના કારણે પાણીની સમસ્યા ઓછી થવાની શકયતાઓ છે.