નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: દેશભરમાં જ્યારે એપ્રિલ મહિનાથી જ સૂર્યદેવતા આકરા પાણીએ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રીને પાર કરી ગયો છે, પરંતુ લેટેસ્ટ હવામાન મોડલ્સ સૂચવી રહ્યા છે કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા વહેલું દસ્તક દઈ શકે છે.
-
કેરલ અને તમિલનાડુમાં સાર્વત્રિક વરસાદ પડશે
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) ના અહેવાલ મુજબ, આ વર્ષે ચોમાસાની શરૂઆત વહેલી થવાના સ્પષ્ટ સંકેતો છે. અંદાજ છે કે 18 થી 25 મેની વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું બેસી જશે. ત્યારબાદ 25 મે થી 1 જૂન દરમિયાન કેરળ અને તમિલનાડુના દક્ષિણ ભાગોમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ શકે છે.
હવામાન નિષ્ણાતોના મતે, આ વખતે અનેક સાનુકૂળ પરિબળો કામ કરી રહ્યા છે. અત્યારે હિંદ મહાસાગરમાંથી આવતા ભેજવાળા પવનો તેજ થઈ રહ્યા છે, જે બંગાળની ખાડી અને આંદામાન સાગર તરફ આગળ વધી રહ્યા છે. આંદામાનના ઉત્તરમાં એક ટ્રોપિકલ સિસ્ટમ બનવાની 20 થી 40 ટકા શક્યતા છે, જે ચોમાસાને આગળ ધપાવવામાં એન્જિન જેવું કામ કરશે. આ વર્ષે ઈન્ડિયન ઓશન ડાયપોલ (IOD) ચોમાસાની તરફેણમાં રહેવાની ધારણા છે. જ્યારે પશ્ચિમ હિંદ મહાસાગરનું પાણી પૂર્વ ભાગ કરતા વધુ ગરમ હોય છે, ત્યારે ભારતમાં વધુ ભેજ અને મજબૂત ચોમાસું જોવા મળે છે.
ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે પડી રહેલી આકરી ગરમી જ ચોમાસાને વહેલું લાવવા માટે કારણભૂત બની શકે છે. વધુ ગરમીને કારણે દરિયાઈ પવનો વહેલા સક્રિય થાય છે અને જમીન તરફ ખેંચાય છે. જો વાતાવરણની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, તો 25 મેની આસપાસ ચોમાસું ભારતની મુખ્ય ભૂમિ પર દસ્તક દઈ શકે છે.
દક્ષિણ ભારતના રાજ્યો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે, કારણ કે ત્યાંની ખેતી અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ચોમાસું જ છે. વહેલા વરસાદને કારણે ગરમીથી તો છુટકારો મળશે જ, સાથે સાથે ખરીફ પાકની વાવણી પણ સમયસર શરૂ કરી શકાશે. જોકે, હાલમાં ઉત્તર અને મધ્ય ભારતના લોકોએ હજુ થોડા દિવસો આકરી લૂ અને ગરમીનો સામનો કરવો પડશે.

