1. Home
  2. ગુજરાતી
  3. ભારતની નરક સાથે સરખામણી કરનાર ટ્રમ્પને ઈરાને આપ્યો સણસણતો જવાબ
ભારતની નરક સાથે સરખામણી કરનાર ટ્રમ્પને ઈરાને આપ્યો સણસણતો જવાબ

ભારતની નરક સાથે સરખામણી કરનાર ટ્રમ્પને ઈરાને આપ્યો સણસણતો જવાબ

0
Social Share

મુંબઈ, 24 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વૈશ્વિક સ્તરે મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો છે. ભારત અને ચીન જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર ટ્રમ્પને હવે ઈરાને આકરો જવાબ આપ્યો છે. મુંબઈ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે ટ્રમ્પને ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવતા ‘કલ્ચરલ ડિટોક્સ’ (સાંસ્કૃતિક શુદ્ધિ) કરવાની સલાહ આપી છે.

મુંબઈમાં આવેલા ઈરાની વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મહારાષ્ટ્રના પર્યટન અને ભવ્ય સંસ્કૃતિનો એક વીડિયો શેર કર્યો છે. આ પોસ્ટમાં ટ્રમ્પ પર કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે, “કદાચ કોઈએ ટ્રમ્પ માટે વન-વે કલ્ચરલ ડિટોક્સ બુક કરી દેવું જોઈએ, જેથી તેમની પાયાવિહોણી નિવેદનબાજી ઓછી થઈ શકે. ક્યારેક ભારત આવીને જુઓ, પછી બોલજો.” ઈરાનનો આ વળતો પ્રહાર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોમેન્ટેટર માઈકલ સેવેજના એક પોડકાસ્ટને રી-પોસ્ટ કર્યો હતો. આ પોડકાસ્ટમાં ભારત અને ચીન જેવા દેશો માટે ‘નરક’ જેવા અત્યંત અપમાનજનક શબ્દો વાપરવામાં આવ્યા હતા. પોસ્ટમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે આ દેશોના લોકો અમેરિકા આવીને બાળક પેદા કરે છે જેથી તેમને સરળતાથી નાગરિકતા મળી જાય. ટ્રમ્પે આ પોસ્ટ દ્વારા અમેરિકાની નાગરિકતા નીતિમાં ફેરફારની માંગ કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, “આ નિવેદન ખોટી માહિતી પર આધારિત, અયોગ્ય અને અત્યંત ખરાબ સ્તરનું છે.” મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, આ પ્રકારની ટિપ્પણી ભારત-અમેરિકાના ગાઢ સંબંધોની વાસ્તવિકતાને દર્શાવતી નથી, જે પરસ્પર સન્માન અને સહયોગ પર ટકેલા છે. વિવાદ વધતા ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસે સફાઈ આપતા જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને એક મહાન દેશ માને છે અને ભારતના નેતૃત્વને પોતાના ખાસ મિત્ર ગણાવે છે. જોકે, ઈરાનના આ તાજેતરના કટાક્ષે આ વિવાદમાં નવો વળાંક આપ્યો છે.

આ પણ વાંચોઃ બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code