નવી દિલ્હી, 9 જૂન 2026: દેશના વિવિધ ભાગોમાં થોડા દિવસો સુધી અટકી પડ્યા બાદ હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ જોરદાર રફતાર પકડી લીધી છે. ગત 4 જૂનના રોજ કેરળમાં દસ્તક આપ્યા બાદ ચોમાસું અત્યાર સુધીમાં દેશના ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસની અંદર ચોમાસું ઉત્તર બંગાળ સુધી પહોંચી જશે તેવી પ્રબળ સંભાવના છે. હાલમાં આ મોન્સૂન સિસ્ટમ સક્રિય હોવાને કારણે કેરળ, તમિલનાડુ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં ઝમાઝમ વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગના વરતારા મુજબ, આગામી 11 જૂનથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવા જઈ રહ્યો છે. આ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે દિલ્હી-NCR સહિત ઉત્તર-પશ્ચિમ ભારત અને બિહાર સહિત પૂર્વી ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે, જેનાથી સ્થાનિક લોકોને આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે.
ચોમાસાની આગેકૂચ અંગે વિગતવાર માહિતી આપતાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અત્યાર સુધીમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આસામ સહિત પૂર્વોત્તરના તમામ સાતેય રાજ્યોને સંપૂર્ણપણે આવરી ચૂક્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ચોમાસું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના બાકીના વિસ્તારો તરફ આગળ વધશે. આ ઉપરાંત છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં પણ ચોમાસું વહેલી તકે દસ્તક દે તે માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશના પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ આભ ફાટ્યું હોય તેમ 12 થી 20 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ સિવાય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, દરિયાકાંઠાનું કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટક, રાયલસીમા અને તેલંગાણાના વિવિધ વિસ્તારોમાં ૭ થી ૧૧ સેન્ટીમીટર જેટલો મધ્યમથી ભારે વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.
-
ઉત્તર અને પૂર્વી ભારતના રાજ્યો હજુ પણ ભીષણ ગરમી
બીજી તરફ, દેશના અડધા ભાગમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોવા છતાં, ઉત્તર અને પૂર્વી ભારતના રાજ્યો હજુ પણ ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ફરી એકવાર 45 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજસ્થાનનું શ્રીગંગાનગર 45.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જ્યારે હરિયાણાનું રોહતક 45.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ નોંધાયું હતું.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના ફતેહગઢમાં પારો 44.8 ડિગ્રી અને ધાર્મિક નગરી વારાણસીમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયો હતો, જ્યાં અસહ્ય લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઝારખંડના ડાલટનગંજમાં તાપમાન 43.1 ડિગ્રી, પંજાબના પટિયાલામાં 42.6 ડિગ્રી અને દેશના પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતના લોકોને આગામી બે દિવસ સુધી આવી જ આકરી ગરમી સહન કરવી પડશે, પરંતુ 11 જૂન બાદ પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણ પલટાશે અને લોકોને પ્રચંડ ગરમીથી આંશિક છુટકારો મળશે.

