Site icon Revoi.in

મોરબી પુલ દુર્ઘટનાઃ પોલીસે આઠ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ આરંભી

Social Share

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે તેમજ હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પુલના કોન્ટ્રાક્ટર, મેનેજર, સિક્યુરિટી તથા પ્રવાસીઓને ટિકીટ આપનાર કર્મચારી સહિત આઠ વ્યક્તિઓની અટકાયત કરીને પોલીસે પુછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. દરમિયાન એસઆઈટીની ટીમ મોરબી પહોંચી હતી. તેમજ ઘટના સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવાના પ્રયાસ કર્યાં હતા. બીજી તરફ મુખ્યમંત્રીએ કલેકટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.

મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક મોરબી પહોંચ્યાં હતા. આજે મુખ્યમંત્રીએ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પીડિતોની હોસ્પિટલમાં મુલાકાત પણ લીધી હતી.

ઝુલતા પુલની દેખભાળ માટે નગરપાલિકા અને એક કંપની વચ્ચે 15 વર્ષનો કરાર થયો હતો. છ મહિના સુધી પુલ બંધ રાખીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. બેસતાવર્ષના દિવસે જ પુલ પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વધુ કમાણી કરવા માટે બ્રિજ મેનેજમેન્ટે ટિકિટ વેચતી વખતે બ્રિજની ક્ષમતાને ધ્યાનમાં લીધી ન હતી. એવું માનવામાં આવે છે કે બ્રિજમાં કોઈ ટેકનિકલ સમસ્યા હતી. સમગ્ર ઘટના કેવી રીતે ઘટી તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.