Site icon Revoi.in

અમદાવાદમાં 37 જેટલાં કુંડમાં ગણેશજીની 1200થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે સાબરમતી નદી પર રિવરફ્રન્ટ પર ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા લોકો ગણેશ વિસર્જન કરી શકે તેના માટે સાતેય ઝોનમાં કુલ 41 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. બે દિવસમાં નાની અને મોટી મૂર્તિઓ મળી કુલ 1200થી વધુ મૂર્તિઓનું વિસર્જન  કરાયું હતું.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, શહેરમાં રિવરફ્રન્ટ સહિત જુદા જુદા વિસ્તારોમાં બનાવેલા કુંડમાં  બે દિવસમાં  1089 નાની અને 32 મોટી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી. 806 નાની મૂર્તિઓ સૌથી વધુ મધ્ય ઝોનમાં વિસર્જન કરવામાં આવી છે. જ્યારે 32 મોટી મૂર્તિઓ સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં લોકોએ વિસર્જન કરી છે.

સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જનના કુંડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. લાઈટ, પાણી, ક્રેન અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. 20×20ના કુંડ બનાવવામાં આવ્યા છે. ચાર ઝોનમાં નાના અને મોટા કુલ 37 જગ્યાએ કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 5, મધ્ય ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5-5 કુંડ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયા છે.