Site icon Revoi.in

ગુજરાતમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ પેરા મેડિકલની 16000થી વધુ બેઠકો ખાલી રહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માત્ર ડિગ્રી કે ડિપ્લોમા એન્જિનિયરિંગની જ નહીં પણ પેરા મેડિકલ સહિતના કોર્ષમાં પણ બેઠકો ખાલી રહે છે. વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ સરળતાથી નોકરી કે રોજગારી મળે એવા કોર્ષ પસંદ કરતા હોય છે. દરેક ફેકલ્ટીમાં બેઠકો વધતા માગ ઘટવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં ફિઝિયોથેરાપી, નર્સિંગ સહિતની પેરા મેડિકલની બેઠકો પરની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ રાઉન્ડના અંતે પેરા મેડિકલની કુલ 23484 બેઠક પર પ્રવેશ માટે કુલ 7747 વિદ્યાર્થીએ રિપોર્ટિંગ કરાવ્યું છે, જ્યારે 16 હજાર બેઠક ખાલી રહી છે. બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં મેડિકલની જેમ પેરા મેડિકલમાં પણ પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી. ઊંચુ ડોનેશન આપીને પણ વિદ્યાર્થીઓ પેરા મેડિકલની વિવિધ શાખાઓમાં પ્રવેશ મેળવતા હતા. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં ફિઝિયોથેરાપીની કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતાં હતા. આ ઉપરાંત નર્સિંગના કોર્ષની પણ સારીએવી ડિમાન્ડ રહેતી હતી. ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ થતાં અનેક ખાનગી હોસ્પિટલો ઊભી થઈ છે. એટલે પેરા મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને તરત જ નોકરી મળી જતી હતી. પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં પેરા મેડિકલની ખાનગી કોલેજ વધી જતાં અને હૈયાત બેઠકોમાં પણ વધારો થતાં માગ ઘટી ગઈ છે. તેના લીધે હવે પેરા મેડિકલના વિવિધ અભ્યાસક્રમોમાં પણ જગ્યાઓ ખાલી રહે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નર્સિંગ, ઓર્થો, ફિઝિયોથેરાપી સહિતની પેરા મેડિકલ કોલેજોની બેઠકો પરની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે 21મીથી 27મી ડિસેમ્બર દરમિયાન પ્રથમ રાઉન્ડની ઓનલાઇન ચોઈસ ફિલિંગ કાર્યવાહી રાખવામાં આવી હતી. ચોઇસ ફિલિંગ કરાવનારા વિદ્યાર્થીઓમાંથી 17,677 વિદ્યાર્થીને સીટ ફાળવવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓમાંથી 7747 વિદ્યાર્થીએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું છે, જ્યારે 10,230 વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ કરાવ્યું નથી. શૈક્ષણિક વર્ષ 2021-22માં કુલ 26,415 બેઠકોમાંથી 9300 વિદ્યાર્થીઓએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું હતું. પરિણામે 16 હજાર બેઠકો ખાલી રહી છે. (file photo)