- છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વેસ્ટનું પ્રમાણ વધ્યું
- કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી
- વર્ષ 2016-17માં 22,700.33 ટન ઇ-વેસ્ટ એકત્રિત કરાયું હતું
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોન સહિતના ગેજેટના વપરાશમાં વધારો થયો છે. જેના પરિણામે ઈલેક્ટ્રોનિક વેસ્ટનું પ્રમાણ વધ્યું છે. વર્ષ 2020-21 દરમિયાન 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને તેની ઉપર પ્રોસેસિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 35 રાજ્યોના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પોલ્યુશન કન્ટ્રોલ કમિટી તથા સીપીસીબી દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-વેસ્ટમાં વધારો થયાનું સામે આવ્યું છે.
ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં જણાવ્યું હતું કે, પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દેશમાં ઇ-વેસ્ટના મેનેજમેન્ટ અંગે નીતિ ઘડતર કરે છે. તેણે 2016માં ઇ-વેસ્ટ મેનેજમેન્ટ નિયમો નોટિફાઈ કર્યા હતા. આ નિયમો હેઠળ ઉત્પાદકો અને સર્વિસ પ્રોવાઇડરો, ડિસમેન્ટલરો, રિસાઇકલરો, રિફર્બિશરો ઇ-વેસ્ટના કલેક્શન માટે જવાબદાર છે, ઇ-વેસ્ટને સલામત અને સુરક્ષિત રીતે એકત્રિત કરવામાં આવે છે. આમ મંત્રાલય દ્વારા નિર્દિષ્ટ માર્ગદર્શિકાનું પાલન થતું હોવાથી પર્યાવરણ પર પણ તેની વિપરીત અસર પડતી નથી. ઇ-વેસ્ટનો ખુલ્લા વાતાવરણમાં નિકાલ કરાય છે. વર્ષ 2016-17માં 22,700.33 ટન ઇ-વેસ્ટ એકત્રિત કરાયું હતું અને તેના પર પ્રોસેસિંગ કરાયું હતું. આવી જ રીતે વર્ષ 2017-18માં 69,413.19 ટન, 2018-19માં 1,64,662.93 ટન, નાણાકીય વર્ષ 2019-20માં 2,24,041 ટન હતો. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 3.54 લાખ ટનથી વધારે ઈ-વેસ્ટ એકત્ર કરીને તેની ઉપર પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતું.
(Photo-File)