Site icon Revoi.in

મોરબીમાં 41,750 બાળકોને વેક્સિન આપવામાં આવશે

Social Share

મોરબી: દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનો વિષય બન્યો છે. કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. આવામાં 15થી 18 વર્ષના બાળકોના રસીકરણને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.

આગામી ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં 41,750 બાળકોને રસી આપવામાં આવશે. જે રસીકરણ અભિયાન અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી શાળા પાસેથી મંગાવેલા ડેટા મુજબ 15થી 18 વર્ષની વયના 41,750 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને જે તે સરકારી શાળા અને ખાનગી શાળામાં જ બાળકોને રસી આપવામાં આવશે. તે ઉપરાંત કોલેજના પ્રથમ વર્ષ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓનો પણ ડેટા મંગાવવામાં આવ્યો છે. શાળામાં અભ્યાસ ના કરનાર 15થી 18  વર્ષના તરુણોને રસી આપવા અલગ કેમ્પનું આયોજન કરાશે.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના કારણે તમામ રાજ્ય અને શહેરના તંત્ર ચિંતામાં છે અને લહેરને રોકવા માટે અનેક પ્રકારના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે ડેલ્ટા વેરિયન્ટની તો તેના કેસમાં પણ નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે.

દેશમાં આજે પણ કેટલાક વિસ્તારો તથા શહેરોમાં લોકોને ઘોર બેદરકારી જોવા મળી રહી છે જેના કારણે ઓમિક્રોનનું સંક્રમણ વધવાની સંભાવનાઓ પણ વધે છે. જાણકારો તો એમ પણ કહે છે કે જો તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવશે નહીં તો કેસમાં જોરદાર વધારો જોવા મળી શકે છે.