Site icon Revoi.in

પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ 51 કરોડ ખાતા ખુલ્યાં, 2 લાખ કરોડથી વધુની રકમ જમા થઈ

Social Share

નવી દિલ્હીઃ નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 51.04 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 9 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં PMJDY યોજનાના 51 કરોડ બેંક ખાતાઓમાં 2.08 ટ્રિલિયન (રૂ. 2 લાખ કરોડથી વધુ)ની રકમ જમા કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ડેટા 29 નવેમ્બર, 2023 સુધીનો છે અને જન-ધન ખાતાઓમાં 2,08,855 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ, લક્ષ્‍યાંક એવા તમામ પુખ્ત વયના લોકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરવાનો હતો જેમની પાસે બેંક ખાતા નથી અને મૂળભૂત બેંક ખાતું પ્રદાન કરવાનું હતું. આ સાથે, તેઓ સરકારી યોજનાઓની સબસિડીનો લાભ લઈ શકશે અને દેશના નાણાકીય સમાવેશમાં ભાગ લઈ શકશે. 22 નવેમ્બર, 2023 સુધી, 4.3 કરોડ PMJDY ખાતાઓમાં શૂન્ય બેલેન્સ છે કારણ કે આ ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી.

ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખોલવામાં આવેલા આ ખાતાઓમાંથી 55.8 ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે. 29 નવેમ્બર, 2023 સુધી, PMJDY બેંક ખાતાધારકોને લગભગ રૂ. 34.67 કરોડ ડેબિટ કાર્ડ આપવામાં આવ્યા છે. ઓવરડ્રાફ્ટની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. RuPay કાર્ડ ધારકો માટે 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. PMJDY યોજનામાં ફ્લેક્સી-રિકરિંગ ડિપોઝિટ જેવા માઇક્રો ફાઇનાન્સ માટે કોઈ ઇનબિલ્ટ જોગવાઈ નથી. જો કે, જન ધન બેંક ખાતા ધારકો તેમની બેંકોમાંથી માઇક્રો-ફાઇનાન્સનો લાભ મેળવી શકે છે.

Exit mobile version