નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળો પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે, જેમાં 80થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અફઘાનિસ્તાનના નંગરહાર, પક્તિકા અને ખોસ્ત પ્રાંતના સાત સ્થળો પર કરવામાં આવી હતી. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ઈસ્લામાબાદ, બાજોર અને બન્નૂમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટોના જવાબમાં આ ‘સટીક જવાબી કાર્યવાહી’ કરવામાં આવી છે. પાકિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે આ હુમલામાં પ્રતિબંધિત સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) અને તેની સાથે જોડાયેલા જૂથોના અંદાજે 70 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની ધરતી પર બેસીને આતંકીઓ પાકિસ્તાનમાં હુમલાનું કાવતરું ઘડે છે, જે 2020ના દોહા કરારનું ઉલ્લંઘન છે.
ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય નાગરિકોના મોત થયા છે, જે અત્યંત ચિંતાજનક છે. પવિત્ર રમઝાન માસમાં આ પ્રકારની હિંસક કાર્યવાહી કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં.” ભારતે વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાન પોતાની આંતરિક સુરક્ષા નિષ્ફળતાઓને છુપાવવા માટે પડોશી દેશ પર હુમલા કરી રહ્યું છે. નવી દિલ્હીએ અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે પોતાનું સમર્થન પુનરોચ્ચાર્યું હતું.
વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા વાપસી બાદથી જ બંને દેશો વચ્ચે ખટરાગ વધ્યો છે. અફઘાન તાલિબાને પાકિસ્તાનના આરોપોને ફગાવતા કહ્યું છે કે પાકિસ્તાનની સુરક્ષા સમસ્યાઓ તેની આંતરિક બાબત છે અને તેના માટે અફઘાનિસ્તાનને દોષ આપવો ખોટું છે. ઓક્ટોબર 2025માં પણ સરહદ પર બંને સેનાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. હાલમાં સમગ્ર સીમાવર્તી વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે.
આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોને લખ્યો પત્રઃ જાણો શું કહ્યું?

