Site icon Revoi.in

દેશમાં 9000થી પણ વધારે PMBJP કેન્દ્રો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે બન્યાં આશીર્વાદ રૂપ

Social Share

અમદાવાદઃ ગરીબ અને મધ્ય વર્ગના પરિવારજનોને મોઘી દવાઓ ઓછી કિંમતમાં અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશમાં લગભગ 9 હજારથી વધારે કેન્દ્રો ઉપર દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને દવાઓના ખર્ચમાં ગણા બધા અંશે રાહત મળી છે.

મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોમાં કોઇ માંદગી આવે એટલે તેમની આવકનો મોટો ભાગ આ માંદગી અને તેની દવાઓ પાછળ જતો હોય છે, અને અનેક નાણાકિય સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. અમુક વખત બ્લડ પ્રેશર જેવા રોગોની દવાઓ મોંઘી હોવાને કારણે નિયમિતપણે ન લેવાથી તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવુ પણ બનતું હોય છે. આ માટે સરકારે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના શુભ ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી ભારતીય જનઔષિધ પરિયોજના (PMBJP) અમલમાં મુકી છે. ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ વિભાગ અંતર્ગત અમલીકરણ એજ‌ન્સી ફાર્માસ્યુટિકલ એ‌ન્ડ મેડિકલ ડિવાઇસિસ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે.

દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછો એક જન ઔષધિ સ્ટોર હોવાના ઉદ્દેશ્ય સાથે જન ઔષધિ  યોજના નવેમ્બર, 2008માં શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરે‌ન્દ્ર મોદીના વડપણ હેઠળ ડીસેમ્બર-2017માં 3000 કેન્દ્રો ખોલવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો. માર્ચ, 2020મા કુલ 6000 કેન્દ્રો ખુલ્યા હતા.  ફેબ્રુઆરી 2023 સુધીમાં સમગ્ર દેશમાં 9000થી વધુ જનઔષધિ કેન્દ્રો કાર્યરત થયા છે. આ રીટેઇલ વિતરણ કે‌ન્દ્રો સરકારી એજન્સીઓ તેમજ ખાનગી સાહસિકો દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં રાહત ભાવે એલોપેથિક દવાઓ અને સાધનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જનઔષધિ કેન્દ્રમાં ડબલ્યુ.એચ.ઓ. જી.એમ પી. સર્ટીફિકેટવાળી ઉચ્ચ ગુણવત્તાની દવાઓ મળે છે.