Site icon Revoi.in

બાળકો માટે જોખમી બનતો કોરોના, આ બે રાજ્યોમાં 90 હજારથી વધારે બાળકો સંક્રમિત

Social Share

હૈદરાબાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે કોઈ સતાવર રીતે જાહેરાત થઈ નથી, પણ તેના વિશે જાણકારો દ્વારા પહેલાથી જ આશંકા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બાળકો ત્રીજી લહેરમાં વધારે સંક્રમિત થઈ શકે તેમ છે અને હવે તેવું કેટલાક રાજ્યોમાં જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ આ વર્ષે માર્ચથી મે 2021 દરમિયાન તેલંગાણામાં કુલ 37,332 બાળકો કોરોનાથી પ્રભાવિત થયા છે. આમાં નવજાતથી લઈને 19 વર્ષ સુધીના બાળકો સામેલ છે. આ માહિતી તેલંગાણા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર 2020 સુધીમાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 19,824 બાળકોને ચેપ લાગ્યો હતો.

જો વાત કરવામાં આવે મધ્યપ્રદેશની તો તેની સ્થિતિ તેલંગાણા કરતા પણ વધારે ચિંતાજનક છે. અહીં 18 વર્ષથી ઓછી વયના 54 હજાર બાળકોને ચેપ લાગ્યો છે, જેમાં ચેપ દર 6.9 ટકા હતો. તેમાંથી 12 હજારથી વધુ બાળકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નેશનલ હેલ્થ મિશનના કોવિડ પોઝિટિવ પેશન્ટ લાઇન લિસ્ટના અહેવાલ મુજબ, બીજી લહેર દરમિયાન 2,699 બાળકોને ભોપાલમાં ચેપ લાગ્યો હતો. તેમાંથી 58 ટકા બાળકો ઘરે રહીને સાજા થયા હતા. ફક્ત 32 ટકા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 660 બાળકો ઘરના એકાંતમાં છે. મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં 72 ટકા બાળકો સ્વસ્થ બન્યા છે.