Site icon Revoi.in

ભારતમાં 17 વર્ષમાં મની લોન્ડરિંગના પાંચ હજારથી વધારે કેસ નોંધાયાં

Social Share

નવી દિલ્હીઃ દેશમાં મની લોન્ડરિંગના ગુનાને અટકાવવા માટે 17 વર્ષ પહેલા પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ લાગુ કરવામાં આવ્‍યો હતો. આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં પાંચ હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોને જ દોષિત ઠેરાવામાં આવ્યા હતા.

કેન્‍દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્‍યું હતું કે 31મી માર્ચ 2022 સુધીમાં, EDએ PMLA હેઠળ 5422 કેસ નોંધ્‍યા છે. 10 વર્ષમાં ફોરેન એક્‍સચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટની જોગવાઈઓ હેઠળ લગભગ 24 હજારથી વધારે કેસ નોંધાયા હતા જયારે પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ 3985 કેસ નોંધાયા હતા.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ એ એક તપાસ એજન્‍સી છે જેને ફોરેન એક્‍સચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટ પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ અને ફયુજિટિવ ઇકોનોમિક ઓફેન્‍ડર્સ એક્‍ટની જોગવાઈઓને લાગુ કરવાની સત્તા સોંપવામાં આવી છે.

નાણા રાજય મંત્રીએ કહ્યું હતું કે, 31મી માર્ચ સુધી એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે હેઠળ લગભગ 5422 કેસ નોંધ્‍યા છે. આ કેસની નોંધણી પછી, પીએમએલએની જોગવાઈઓ હેઠળ લગભગ રૂ. 104702 કરોડની મિલકતો એટેચ કરવામાં આવી હતી, 992 કેસોમાં પ્રોસિક્‍યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી હતી જેના પરિણામે રૂ. 869.31 કરોડ જપ્ત કરવામાં આવ્‍યા હતા અને 23 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્‍યા હતા.