Site icon Revoi.in

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં સૌથી વધારે ગેસ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જેનરિક દવાનું વેચાણ

Social Share

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા દેશની જનતાને ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેથી પ્રજાનો દવાની પાછળ થતો ખર્ચ ઘટ્યો છે. આ કેન્દ્રો ઉપર દર મહિને સૌથી વધારે ગેસ, ડાયબિટીસ અને બ્લડપ્રેશરની સૌથી વધારે જેનરિક દવાનું વેચાણ થાય છે.

પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના ડેટા અનુસાર પેટમાં ગેસથી પીડાતા દર્દીઓ માટે દર મહિને એક કરોડ જેનરિક ગોળીઓનું વેચાણ થાય છે. પ્રોજેક્ટના સીઈઓ રવિ દધીચીએ જણાવ્યું હતું કે પેન્ટોપ્રાઝોલ 40 મિલિગ્રામ એ એવી દવા છે જે સૌથી વધુ વેચાઈ રહી છે. સમગ્ર દેશમાં જન ઔષધિ કેન્દ્રો પર એક મહિનામાં સૌથી વધુ 10.86 લાખ દવાના પતા વેચાઈ રહ્યા છે. એક પતામાં 10 ગોળીઓ હોય છે. આ પછી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને લગતી દવાઓ સૌથી વધુ વેચાઈ રહી છે. 

એકંદરે, ત્રીજા ભાગની દવાઓ (34 ટકા) ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને પેટનું ફૂલવું સંબંધિત દર્દીઓ માટે વેચવામાં આવે છે. ગેસના દર્દીઓ માટે પેન્ટોપ્રાઝોલ 40mg ની 10 ગોળીઓ ધરાવતી શીટ રૂ.22માં મળે છે. બ્લડપ્રેશર માટે ટેલમીસારટનની 10 ગોળીઓનું એક પતુ રૂ.12માં મળે છે. હૃદયના દર્દીઓ માટે અમલોડિપિનનું એક પાન રૂ. 5.50માં મળે છે. આ ત્રણેય ગોળીઓ જન ઔષધિ કેન્દ્રો પર સૌથી વધુ વેચાઈ રહી છે. એક મહિનામાં 29 લાખ પતા એટલે કે 2.90 કરોડ ટેબલેટનું વેચાણ થઈ રહ્યું છે.

સીઈઓએ કહ્યું કે દેશમાં ગુરુગ્રામ, ચેન્નાઈ, ગુવાહાટી અને સુરતમાં ચાર વેરહાઉસ છે, જ્યાંથી 36 વિતરકો દેશભરમાં દવાઓનો સપ્લાય કરે છે. તેમણે કહ્યું કે જેનરિક દવાઓ વિશે એવી ગેરસમજ છે કે તે હલકી ગુણવત્તાની છે, તેથી સસ્તી છે, જે ખોટી છે. લોકોએ સમજવાની જરૂર છે કે અહીં જે દવાઓ 40 રૂપિયામાં મળે છે, તે જ દવા બ્રાન્ડેડ 250 રૂપિયાથી વધુમાં વેચાઈ રહી છે. બીટાડીનનું ઉદાહરણ ટોચ પર છે.

દધીચીએ જણાવ્યું કે સરકાર જન ઔષધિ કેન્દ્રોને રોજગાર સાથે જોડવા માટે વિવિધ પ્રકારની મદદ કરી રહી છે. પ્રથમ સહાય પાંચ લાખ રૂપિયા સુધીની છે. જો કેન્દ્ર સંચાલક મહિલા અથવા અનામત વર્ગ સિવાયના પર્વતીય અને દુર્ગમ વિસ્તારના હોય તો બે લાખ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, કુલ વેચાણ પર દર મહિને 15,000 રૂપિયા સુધી આપવાની જોગવાઈ છે.

(PHOTO-FILE)