Site icon Revoi.in

ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU થતા ઉદ્યોગો માટે ઈ-કોમર્સ એક્સપોર્ટના દ્વાર ખૂલશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.

ગાંધીનગરમાં આજે ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે એમઓયુ થયા હતા. આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની મેડ ઈન ઇન્ડિયા- મેડ ઇન ગુજરાત પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે. એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ,જેમ એન્ડ જવેલરી,હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત  હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમએસએમઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. 2020-21 ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21  ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે.  હવે આ એમ.ઓ.યુ.ની ફલશ્રૃતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા  મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ  સહિત ના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબિનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.