નવી દિલ્હીઃ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત મામલે રજુ કરવામાં આવેલા નારી શક્તિ વંદના બિલ ઉપર બે દિવસથી ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ મહિલા અનામતમાં ઓબીસી અનામતની માંગણી કરી હતી. લોકસભામાં મહિલા અનામત બિલને લઈને મતદાન યોજાયું હતું. જેમાં બિલના સમર્થનમાં 454 વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે મત પડ્યાં હતા. આમ બહુમતીથી લોકસભામાં બિસ પાસ થયું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારી શક્તિ વંદના બિલ કહ્યું કે ગઈકાલનો સંસદના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. આ યુગ બદલતું બિલ છે. આ સાથે મહિલાઓના અધિકારો માટેની લાંબી લડાઈનો અંત આવ્યો. અમિત શાહે કહ્યું કે ઘણી પાર્ટીઓ માટે મહિલા સશક્તિકરણ રાજકીય મુદ્દો હશે પરંતુ મારી પાર્ટી અને મારા નેતા પીએમ મોદી માટે મહિલા સશક્તિકરણ રાજકારણનો મુદ્દો નથી, માન્યતાનો મુદ્દો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, મહિલા અનામત બિલ સન્માનનું પ્રતિક છે અને નવા યુગની શરૂઆત છે. G20 દરમિયાન વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વ સમક્ષ મહિલાઓના નેતૃત્વમાં વિકાસનું વિઝન રજૂ કર્યું હતું. ચાર વખત આ સદને માતા-બહેનોને નિરાશ કરી છે, હવે સાથે મળીને તેમને નિરાશ ના કરીએ.
લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારમાં 90 સચિવોમાંથી માત્ર 3 ઓબીસીના છે. આ બિલને લાગુ કરવા માટે તમારે નવી વસ્તી ગણતરી, સીમાંકનની જરૂર છે તે વિચાર વિચિત્ર છે. આ બિલ આજથી અમલમાં આવી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મહિલા અનામત બિલમાં ઓબીસી અનામત ઉમેરવી જોઈએ. મારા મતે ઓબીસી મહિલાઓ માટે અનામત વિના તે અધૂરું છે. જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, આ ચર્ચામાં સોનિયા ગાંધી અને અમિત શાહ સહિત સાત સાંસદોએ ચર્ચા કરી હતી. લોકસભામાં મહિલાઓની ભાગીદારી ઓછી છે. ભારતમાં મહિલાઓની ભાગીદારી 15 ટકા જેટલી છે. આ બિલ બાદ ગ્લોબલ ટકાવારીથી વધશે. મહિલા ભાગીદારીની ગ્લોબલ ટકાવારી લગભગ 24 છે.

