Site icon Revoi.in

રાજકોટના આજી ડેમ-1માં સૌની યોજના હેઠળ નર્મદાના નીર એક મહિનો સુધી ઠલવાશે

Social Share

રાજકોટઃ શહેરમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આજી-1 ડેમાં ‘સૌની યોજના’ હેઠળ નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજી ડેમની આજની સપાટી 19.49 ફૂટ હતી અને ડેમમાં 385.61 એમસીએફટી એટલે કે 43 ટકા જીવંત જળજથ્થો રહ્યો છે. ત્યારે મનપાએ કરેલી પાણીની માગ સ્વીકારી સરકારે એક મહિના સુધી આજી ડેમમાં સૌનીનું પાણી ઠાલવવાનું ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. બે દિવસમાં કુલ 15 એમસીએફટી પાણી ઠલવાયું છે. તેમાં સોમવારે  9 એમસીએફટી પાણી આવતા તે પૈકી 6 એમસીએફટી તો વિતરણ પણ થઇ ગયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં વર્ષો પહેલા ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતી હતી, પણ નર્મદાના પાણીને આજી ડેમમાં ઠાલવીને શહેરને પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. હજુ ઉનાળાને દોઢથી બે મહિના જેટલા સમય બાકી છે ત્યારે આજી ડેમમાં નર્મદાની નીર ઠાલવવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આગામી ઉનાળાની ઋતુમાં 20 મિનિટ પાણી પુરવઠો જાળવી રાખવા સ્થાનિક આજી-1 ડેમ માટે સરકારમાં 1080 એમસીએફટી પાણી જાન્યુઆરી માસમાં ફાળવવા માગણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા આજી-1 ડેમમાં  સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આજી-1 ડેમની 29 ફૂટની સપાટી છે. જેમાં સૌની યોજનાનું પાણી આવ્યા પહેલા 376 એમસીએફટી પાણીનો જથ્થો હતો. જે ધ્યાનમાં રાખી સૌની યોજનાનું પાણીની માગણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં આશરે 600 એમસીએફટીથી વધુ પાણી ફાળવશે. ત્યારબાદ મે-જુનમાં જરૂરિયાત મુજબ ફરીથી પાણીનો જથ્થો આપવામાં આવશે. ન્યારી-1 ડેમ માટે પણ સૌની યોજનાનું પાણી માગવામાં આવ્યું છે, પરંતુ હાલ આ ડેમમાં પૂરતો જથ્થો હોય માટે આગામી મે માસમાં પાણી છોડવામાં આવશે. ન્યારી માટે પણ 230 એમસીએફટી નીરની માગણી કરવામાં આવી છે. ગત વર્ષે રાજકોટમાં સરેરાશ 863 મીમી એટલે કે 105 ટકા વરસાદ થયો હતો. પરંતુ રાજકોટની વસ્તી અને વિસ્તાર જોતા હવે ડેમોનો જથ્થો શહેરને રોજ પાણી વિતરણ માટે પૂરતો થતો નથી. ન્યારી-2 ડેમ પીવા માટે કામ આવતો નથી. ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં આજી-1 ડેમ સુધીમાં 700 એમસીએફટી પાણી ઠલવાઇ તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે નવા વિસ્તાર ભળતા પાણીની માગ વધતી જાય છે. 2020માં 280 એમએલડી પાણી વિતરણ થતું હતું. જે હવે વધીને 360 એમએલડી પર પહોંચ્યું છે.(file photo)