Site icon Revoi.in

નાસાનો મોટો દાવો – વર્ષ 2030 સુધીમાં માણસો ચંદ્ર પર રહેવાનું અને કામ કરવાનું શરૂ કરશે

Social Share

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2030 સુધીમાં મનુષ્ય ચંદ્રની સપાટી પર રહેવાનું શરૂ કરી દેશે અને કામ કરવા લાગશે.આર્ટેમિસ-1 મિશન હેઠળ ચંદ્ર તરફ છોડવામાં આવેલા ઓરિયન સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામના વડા હોવાર્ડ હુએ કહ્યું કે,અમે 8 વર્ષની અંદર ચંદ્રની સપાટી પર મનુષ્યને મોકલીશું.આ લોકો ત્યાં જઈને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.

નાસાએ તાજેતરમાં જ તેના શક્તિશાળી સ્પેસ લોંચ સિસ્ટમ (SLS) રોકેટ દ્વારા ઓરિયન અવકાશયાન ચંદ્ર તરફ મોકલ્યું છે.ઓરિયન હાલમાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે.આ પ્રક્ષેપણ ગત સપ્તાહે ઘણી વખત મુલતવી રાખ્યા બાદ કરવામાં આવ્યું હતું.લગભગ 50 વર્ષ બાદ નાસા ચંદ્ર તરફ માનવ મિશન શરૂ કરી રહ્યું છે.હાલમાં, ઓરિયન અવકાશયાન જે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે, તેમાં કોઈ માણસ નથી.પરંતુ આ જ અવકાશયાનમાં મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં આવશે.

તે ચંદ્ર સુધી પહોંચે છે, તેની પરિક્રમા કરે છે અને પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત ફરે છે કે કેમ તે જોવા માટે હાલમાં ઓરિયનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.કારણ કે આ અવકાશયાન દ્વારા અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલવામાં આવશે.જો બધુ બરાબર રહેશે તો 1972 પછી પહેલીવાર મનુષ્યને ચંદ્ર પર મોકલવામાં આવશે.તેમાં એક મહિલા અવકાશયાત્રી પણ હશે. વર્તમાન યોજના અનુસાર, અવકાશયાત્રીઓને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતારવામાં આવશે. જ્યાં તે એક સપ્તાહ વિતાવશે.આ દરમિયાન ચંદ્ર પર પાણીની શોધ થશે.જો પાણી ઉપલબ્ધ હોય તો ચંદ્રથી મંગળ સુધી રોકેટ લોન્ચ કરી શકાય છે.

એટલે કે, ચંદ્રનો ઉપયોગ પૃથ્વી અને મંગળ વચ્ચેના મધ્ય માર્ગ તરીકે કરવામાં આવશે. માનવીએ ચંદ્ર પર કાયમ માટે રહેવા માટે રહેવાની જગ્યાઓ બનાવવી પડશે.જેના માટે ખાણકામ કરવું પડે છે.આ સિવાય અનેક પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો કરવા પડશે.હોવર્ડ હુએ કહ્યું કે,ચંદ્ર પર મનુષ્યને રાખવા માટે આ આપણું પ્રથમ પગલું છે.જો આપણને એકવાર સફળતા મળે તો આપણે ચંદ્ર પર માનવ વસાહત સ્થાપીશું.