Site icon Revoi.in

પ્રેરણાદાયક: ફેફસામાં 95 % ઇન્ફેક્શન છતાં મક્કમ મનોબળ અને હિંમતથી 62 વર્ષીય મહિલાએ કોરોનાને આપી મ્હાત

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ એટલો ઘાતક હોય છે કે જો એકવાર તે ફેફસાંમાં વધારે પડતો પ્રસરી જાય તો દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે અને આવી રીતે અત્યારે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.

જો કે મક્કમ મનોબળ અને દૃઢ નિર્ધાર સાથે ઉજ્જૈનના એક મહિલાએ ફેફસામાં 95 ટકા ઇન્ફેક્શન હોવા છતાં કોરોનાને મ્હાત આપવામાં સફળતા મેળવી છે.ઉજ્જૈનની એક સહકારી બેંકમાં મેનેજર પદેથી સેવાનિવૃત્ત થયેલા 62 વર્ષીય ઉષા નિગમને ગત 20 ઑક્ટોબરે કોરોના થયો હતો. 22 ઑક્ટોબરે તેમનું પહેલું સિટી સ્કેન કરાવાયું હતું ત્યારે ઝીરો ઇન્ફેક્શન આવ્યું હતું અને બે દિવસ બાદ તેમની સ્થિતિ બગડવા માંડી હતી. તેમની સ્થિતિ વધુ બગડતા તેમને ICUમાં શિફ્ટ કરાયા હતા.

આ પછી તેમની હાલતમાં કોઇ સુધારો ન થતા તે સતત બગડી રહી હતી. રેમડેસિવિરના ઇન્જેક્શન બાદ પણ તેમની હાલતમાં કોઇ સુધારો જોવા મળતો ન હતો. ડોક્ટરોએ ત્યાં સુધી કહી દીધું હતું કે, તેમનું બચવું હવે મુશ્કેલ છે. આ દરમિયાન તેમને ICUમાં ઓક્સિજન પર શિફ્ટ કરાયા હતા.

આ દરમિયાન 26 નવેમ્બરે જ્યારે તેમનું સિટી સ્કેન કરાયું ત્યારે ફેફસામાં ઇન્ફેક્શન 95 ટકા પ્રસરી ગયું હતું. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી ડોક્ટરોએ તેમને નોન કોવિડ ICUમાં રાખ્યા હતા.

95 ટકા ઇન્ફેક્શન બાદ ડોક્ટરોએ ઉષા નિગમને ઘરે લઇ જવાની સલાહ આપી દીધી હતી. ઘરે તેઓ ઓક્સિજન સપોર્ટ પર રહ્યા હતા. જો કે ઘરે ગયા બાદ તેઓના મક્કમ મનોબળ, હિંમત, નિર્ભયતાને કારણે તેઓ હાલમાં સાવ સાજા થઇ ચૂક્યા છે. આ દરમિયાન તેઓ 40 દિવસ ICU તેમજ 40 દિવસ ઘરે ઓક્સિજન પર રહ્યા હતા. આમ છતાં તેઓ આજે સંપૂર્ણપણે સાજા થઇને પોતાનું કામ પણ સ્વયં કરી રહ્યા છે.

કોરોનાને મ્હાત આપનાર ઉષા નિગમનું કહેવું છે કે સારવાર દરમિયાન ડરવાની જગ્યાએ હિંમત રાખવાની તેમજ બીમારી સામે લડવાની જરૂર છે. જો મક્કમ મનોબળ રાખવામાં તેમજ પરિવારનો સાથ હોય તો કોઇપણ ગંભીર બીમારીને પણ મ્હાત આપી શકાય છે.

(સંકેત)

Exit mobile version