Site icon Revoi.in

યાત્રાળુઓ માટે ખુશખબર! 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રાનો થશે પ્રારંભ

Social Share

નવી દિલ્હી: ચારધામ યાત્રા કરવા માંગતા યાત્રીઓ માટે મહત્વના સમાચાર છે. ઉત્તરાખંડમાં 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થવા જઇ રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેનું એલાન કરતા કહ્યું કે, ચારધામ યાત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. ચારધામ યાત્રામાં આવતા જીલ્લાઓમાં સારી આરોગ્ય સુવિધાઓનો અભાવ તેમજ કોવિડ રોગચાળાના ત્રીજા મોજાના ખતરાને જોતા હાઇકોર્ટે 28 જૂને ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કેટલાક પ્રતિબંધો સાથે ચારધામ યાત્રાને મંજૂરી આપી હતી. હાઇકોર્ટે બદ્રીનાથ ધામમાં 1200, કેદારનાથ ધામમાં 800, ગંગોત્રીમાં 600 અને યમનોત્રી ધામમાં 400 ભક્તો અથવા યાત્રીઓને મંજૂરી આપી છે. તે ઉપરાંત કોર્ટે દરેક ભક્તને કોવિડ નેગેટિવ રિપોર્ટ તેમજ બે વેક્સિનનું પ્રમાણપત્ર સાથે રાખવા કહ્યું છે.

આ ઉપરાંત, હાઇકોર્ટે તેના આદેશમાં ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાઓમાં યોજાનારી ચારધામ યાત્રા દરમિયાન જરૂરિયાત મુજબ પોલીસ દળ તૈનાત કરવા જણાવ્યું છે. આ સિવાય ભક્તો કોઈપણ કુંડમાં સ્નાન કરી શકશે નહીં.

ચારેય ધામમાં સંપૂર્ણ તબીબી સુવિધાઓ હોવી આવશ્યક છે. મેડિકલ સ્ટાફ, નર્સો, ડૉક્ટરો, ઑક્સિજન બેડ અને વેન્ટિલેટર માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઇએ. મુસાફરી દરમિયાન સરકારે મેડિકલ હેલ્પલાઇન જારી કરવી જોઇએ. જેથી બીમાર લોકો સરળતાપૂર્વક આરોગ્ય સંબંધિત સુવિધાઓ વિશે પરિચીત થઇ શકે તેવો હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે.

ભાવિમાં જો કોરોનાના કેસમાં ઉછાળો આવે છે તો તેવી સ્થિતિમાં સરકાર યાત્રાને મુલતવી રાખે તેવી પણ સંભાવના છે. આ સાથે જ કોર્ટે ચારેય ધામમાં એન્ટી સ્પાઉટિંગ એક્ટનો અસરકારક રીતે અમલ કરવા કહ્યું છે.