Site icon Revoi.in

કોરોનાની બીજી લહેર: ગુજરાત સહિત 8 રાજ્યોમાં 84 ટકા કેસ નોંધાયા

Social Share

નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તો બીજી તરફ સંક્રમણની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. જેના લીધે અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના ઓછા થયેલા નવા કેસોનું પ્રમાણ અચાનક વધ્યું છે. આ દરમિયાન દેશના 8 રાજ્યો સૌથી વધુ પ્રભાવિત છે. ગત 24 કલાકમાં દેશભરમાં સામે આવેલા 68,020 કેસોમાંથી 84.5 ટકા કેસ આ 8 રાજ્યોમાં છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ અને છત્તીસગઢ સામેલ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં સક્રિય કેસોનો આંક વધીને 5,21,808 સુધી પહોંચી ગયો છે. જે કુલ કેસોનો 4.33 ટકા હિસ્સો છે. દેશના કુલ સક્રિય કેસોમાંથી 80.17 ટકા કેસ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં છે.

આ સિવાય દેશવ્યાપી રસીકરણ અભિયાન દરમિયાન અત્યાર સુધી છ કરોડથી વધુ રસીના ડોઝ અપાઇ ચૂક્યા છે. જેમાંથી 81,56,997 સ્વાસ્થ કર્મચારીઓને પહેલો ડોઝ અને 51,78,065 સ્વાસ્થ કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ સિવાય ફ્રન્ટલાઇન કર્મચારીઓમાં 89,12,113ને પહેલો ડોઝ અને 36,92,136 કર્મચારીઓને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે.

(સંકેત)

Exit mobile version