Site icon Revoi.in

એલોપેથી પર વાંધાજનક ટિપ્પણી પર બાબા રામદેવની મુશ્કેલી વધી, કોર્ટ ચલાવી શકે કેસ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અગત્યની ભૂમિકા ભજવનાર એલોપેથી દવા પર વિવાદિત ટિપ્પણી કરીને સંકટમાં મૂકાયેલા બાબા રામદેવને હાલમાં કોઇ રાહત મળે તેવા કોઇ અણસાર દેખાતા નથી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, એલોપેથીને લઇને તથ્ય વગરની માહિતી ફેલાવવા માટે બાબા રામદેવ વિરુદ્વની અરજીના ફગાવી ના શકાય. ડોકટર્સના અનેક સંગઠનો દ્વારા કરવામાં આવેલી અરજી પર મંથન કરવું આવશ્યક છે અને એટલે જ પ્રાથમિક તબક્કામાં જ અરજીનો અસ્વીકાર કરવો અયોગ્ય છે.

આ અંગે દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સી હરિ શંકરની ખંડપીઠે અવલોકન કર્યું છે કે, પ્રથમ દૃષ્ટિએ વર્તમાન કેસ પર મંથન કર્યા વગર જ પ્રારંભિક તબક્કે જ એને બંધ કરવુ અયોગ્ય છે. આ મામલે પગલાં લેવા કે નહીં તે અંગે વિચાર કરવાની જરૂર છે.

અગાઉ દિલ્હી હાઇકોર્ટે બાબા રામદેવને પોતાની રજૂઆત કરવા માટે નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટમાં આ કેસમાં હવે 27 ઑક્ટોબરના રોજ સુનાવણી થશે જેથી બાબા રામદેવના વકીલ પોતાની રજૂઆત કરી શકશે.

કોરોનાની ઘાતક લહેર દરમિયના બાબા રામદેવે એલોપેથી સારવારને લઇને વિવાદિત નિવેદન આપીને તેનાથી કોવિડ સંક્રમિત દર્દીઓનું મોત થઇ રહ્યા હોવાનું કહ્યું હતું. બાબા રામદેવના આ વિવાદાસ્પદ નિવેદન બાદ ડૉક્ટરના સંગઠનોએ વિરોધ કરતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેઓએ આરોપ લગાવ્યા હતા કે, બાબા રામદેવ એલોપેથીને લઇને દેશના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.

આ સંગઠનોએ એવો પણ દાવો કર્યો હતો કે, બાબા રામદેવે કોરોનિલથી કોવિડની સારવાર થતી હોવાનો પાયાવિહોણો દાવો કર્યો હતો. જ્યારે કોરોનિલને માત્ર રોગપ્રતિકારક શક્તિ વર્ધકનું લાયસન્સ જ મળ્યું હતું.