Site icon Revoi.in

રામ મંદિરના નિર્માણ કાર્ય અર્થે 2100 કરોડથી વધુ રૂપિયાનું દાન મળ્યું: ટ્રસ્ટ

Social Share

નવી દિલ્હી: અયોધ્યા રામમંદિર નિર્માણ કાર્ય માટે સમગ્ર દેશમાં શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ 44 દિવસનું અભિયાન શનિવારે સમાપ્ત થયું હતું. આ અભિયાન સાથે સંકળાયેલા ટ્રસ્ટનું કહેવું હતું કે દેશભરમાંથી 2100 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું. 15 જાન્યુઆરીએ ક્રાઉડ ફન્ડિંગની શરૂઆત પહેલા ટ્રસ્ટે રામ મંદિર પરિસરના નિર્માણ માટે 1100 કરોડ રૂપિયાનું દાન ભેગુ કરવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ ટ્રસ્ટના અનુમાનથી 1000 કરોડ રૂપિયા વધારે દાન મળ્યું હતું.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગિરિએ જણાવ્યું હતું કે, દાન એકત્રિત કરવા માટે અભિયાન દેશભરમાં ઉદાર યોગદાન કર્તાઓના ઉદાર યોગદાન સાથે સમાપ્ત થયું. શનિવાર સાંજ સુધી મળેલ દાન 2100 કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું.

તેમણે વિતેલા વર્ષે ડિસેમ્બરમાં રામ જન્મભૂમિ પર રામ મંદિર પરિસરના નિર્માણ કાર્ય માટે 1100 કરોડ રુપિયાનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે મંદિર નિર્માણનો અંદાજીત ખર્ચ 300-400 કરોડ રુપિયા આંક્યો હતો. ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના કહેવા મુજબ મંદિર પરિસર નિર્માણ માટે બજેટ નક્કી નથી, એતો નિર્માણ પૂર્ણ થયા પછી જ ખર્ચનો ખ્યાલ આવશે.

નિર્મોહી અખાડાના મહંત ધનેન્દ્ર દાસે કહ્યું હતું કે ભગવાન રામના નામ પર કરોડો ભારતીયોએ દાન કર્યું છે અને વધુ પડતા દાનનો ઉપયોગ અયોધ્યા અને તેના મંદિરોના કલ્યાણ માટે થવો જોઇએ. અયોધ્યાના સાધુ સંતોએ હવે મંદિર ટ્રસ્ટને અયોધ્યાના વિકાસ માટે દાનનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.

(સંકેત)