Site icon Revoi.in

કોવિડને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચનો નિર્ણય, 22 તારીખ સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હી: આગામી મહિનેથી દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે એ પહેલા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. કોવિડની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનામાં રાખતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ તેમજ રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે અગાઉ 15 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર કોવિડના સતત વધતા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે ચૂંટણી પંચે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે ટ્વિટ કરી હતી કે, તમામ ફિઝિકલ રેલીઓ તેમજ રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી, 2022 સુધી લંબાવાયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન રાજકીય પક્ષો 50 ટકા ક્ષમતા ધરાવતા ઇન્ડોર હોલમાં મીટિગ કરી શકશે. તે ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સને અનુસરીને 200 લોકોને બોલાવી શકાય છે.

તે ઉપરાંત ચૂંટણી પંચે રાજ્યો અને જિલ્લા પ્રશાસનને કોવિડ-19 દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. ચૂંટણી પંચ 22 જાન્યુઆરીએ ફરીથી સ્થિતિની સમીક્ષા કરશે, ત્યાં સુધી રાજકીય પક્ષોએ ડિજિટલ પ્રચાર કરવો પડશે.