Site icon Revoi.in

હવે મહારાષ્ટ્રમાં ગુજરાત સહિત આ 6 રાજ્યોમાંથી આવતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત

Social Share

મુંબઇ: દેશમાં હાલમાં કોરોનાની બીજી સૌથી ઘાતક લહેર ચાલી રહી છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસ રોજ રેકોર્ડ તોડી રહ્યા છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા ત્યાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજધાની દિલ્હી સહિત સાત વિસ્તારોને સંવેદનશીલ જાહેર કર્યા છે.

મહારાષ્ટ્ર સરકારે કેરળ, ગોવા, ગુજરાત, દિલ્હી, NCR, રાજસ્થાન અને ઉત્તરાખંડને સંવેદનશીલ સ્થળો જાહેર કર્યા છે. આદેશ પ્રમાણે આ 6 રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે મુસાફરીના 48 કલાક પહેલા કરવામાં આવેલો RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે.

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા તેમજ અન્ય રાજ્યોમાંથી નવા સ્વરૂપે દાખલ થતા સ્ટ્રેનને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવેલા તમામ લોકોએ 15 દિવસ સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટિન રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ 1,000 રૂપિયાનો દંડ ફટાકારાશે.

બીજી તરફ, રેલવેને પણ અનુરોધ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં આવતા મુસાફરો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ ન બતાવે ત્યાં સુધી તેમને ટ્રેનમાં મુસાફરી ન કરવા દેવામાં આવે.

(સંકેત)