Site icon Revoi.in

વર્ષ 2020ની તસવીરોનું પુનરાવર્તન: લૉકડાઉનના ડરથી પ્રવાસી મજૂરોએ વતનની વાટ પકડી

Social Share

નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે અનેક રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂથી લઇને લોકડાઉન સુધીના અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં અનેક રાજ્યો દ્વારા ફરીથી લૉકડાઉન અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ જ કારણોસર દિલ્હી, પુણે, મુંબઇ જેવા મોટા શહેરોમાંથી પ્રવાસી મજૂરોએ ફરીથી વતનની વાટ પકડી છે અને તૈયારી શરૂ કરી દીધી છે. અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનેક રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પહોંચી રહ્યા છે. આ દ્રશ્ય જોઇને વર્ષ 2020નું પુનરાવર્તન થઇ રહ્યું હોવાનું લાગી રહ્યું છે.

વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન હજારો પ્રવાસી મજૂરોએ કોરોનાનો માર સહન કર્યો હતો. સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હજારોની સંખ્યામાં મજૂરો પગપાળા જ પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. એ દરમિયાન રેલવે, બસ સહિત તમામ પ્રકારની યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હવે મજૂરોને ફરીથી લોકડાઉનનો ડર લાગી રહ્યો છે અને આ જ દહેશતને કારણે તેઓ ફરીથી પલાયન કરી રહ્યા છે.

નોંધનીય છે કે, દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે તેથી ત્યાં નાઇટ કર્ફ્યૂ લગાવાયો છે. ગુજરાતના પણ 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અમલી છે. મહારાષ્ટ્રમાં તો સપ્તાહના અંતે લોકડાઉનની પણ જાહેરાત કરાઇ છે. દિલ્હીમાં પણ આગામી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત્ રહેશે. તે ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

(સંકેત)