Site icon Revoi.in

કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મોદી કેબિનેટ બેઠકમાં મંજૂરી, હવે બિલ સંસદમાં જશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક દિવસ પહેલા સરકારના નવા 3 કૃષિ કાયદા પરત ખેંચવાની ઘોષણા બાદ મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવ પર મહોર મારવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે આગામી 29 નવેમ્બરનાં રોજ શરૂ થઇ રહેલાં સંસદનાં શિયાળુ સત્રમાં આ બિલને પરત કરવાનાં નિર્ણયને મૂકવામાં આવશે તેમજ વિધેયક પાસ કરાવવામાં આવશે. ત્રણેય કૃષિ કાયદાને પરત લેવા માટે એક પ્રસ્તાવ કૃષિ મંત્રાલય દ્વારા તૈયાર કરાશે અને તે પછી કાયદા મંત્રાલય પાસે મોકલાશે.

કૃષિ મંત્રાલયના ડ્રાફ્ટ પ્રમાણે બિલને સંસદમાં રજૂ કરાશે અને ત્યારબાદ તેના પર ચર્ચા બાદ વોટિંગ થશે તથા બહુમતથી નિર્ણયને પાસ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ત્રણેય કૃષિ કાયદા રદ્દ ગણવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ ખેડૂતો સંતુષ્ટ નથી. ગયા વર્ષે ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વિવિધ સરહદો પર લગભગ એક વર્ષથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ માંગ કરી છે કે સરકારે એમએસપી પર પણ વાત કરવી જોઈએ.