Site icon Revoi.in

દરેક રાજ્યો ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઇઓનું સઘન રીતે પાલન સુનિશ્વિત કરે: ગૃહ મંત્રાલય

Social Share

નવી દિલ્હી: આગામી સપ્તાહે પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે ત્યારે તિરંગાના સન્માનને સુનિશ્વિત કરવાના હેતુસર ગૃહ મંત્રાલયે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. તે અનુસાર, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર ઇવેન્ટ બાદ જનતા દ્વારા ફરકાવવામાં આવેલા કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને તોડવામાં ના આવે અને જમીન પર ફેંકવામાં પણ ના આવે તે જરૂરી છે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરીમાં ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઇઓનું સઘન રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એડવાઇઝરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશના લોકોની આશાઓ તેમજ આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે માટે તે સન્માનની સ્થિતિમાં હોવો જોઇએ.

મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી કે, રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન પર લાગુ થનારા કાયદાઓ, પ્રથાઓ અને સંમેલનોના સંબંધમાં લોકોની સાથે સાથે સરકારના સંગઠનો-એજન્સીઓમાં જાગૃતિની એક સ્પષ્ટ ઉણપ હંમેશા જોવા મળે છે.

ભારતીય ધ્વજ સંહિતા પ્રમાણે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલ આયોજનોના અવસરો પર જનતા દ્વારા કાગળમાંથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી શકાય છે. કેન્દ્રએ જણાવ્યું કે, આ પ્રકારના કાગળના ઝંડાઓને આયોજન બાદ જમીન પર કે ક્યાંય ફેંકી ન શકાય. કાયદા પ્રમાણે ધ્વજની ગરિમાને અનુરૂપ આ પ્રકારના ઝંડાનું ખાનગી રીતે યોગ્ય કરવું જોઈએ. તમામ સરકારી કાર્યાલયોને આ મામલે જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા કહેવામાં આવ્યું છે.