Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 1 જુલાઇથી કેન્દ્રીય કર્મીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું મળશે

Social Share

નવી દિલ્હી: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપવા જઇ રહી છે. સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ મૂળ વેતનના 28 ટકાથી વધારીને 31 ટકા કરી દેવામાં આવ્યું છે. નાણા મંત્રાલયે આ જાહેરાત કરી હતી.

આ વધારો 1 જુલાઇ, 2021થી લાગૂ થશે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ અનુસાર મૂળ પગારનો અર્થ 7માં પગાર પંચ અનુસાર મળેલો પગાર છે અને તેમાં અન્ય કોઇ વિશેષ ભથ્થાઓ સમાવિષ્ટ નથી.

ગત સપ્તાહે કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહતને 3 ટકા વધારવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શરન્સને ફાયદો થશે. આ વર્ષે જુલાઇમાં ડીએના દર 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, Dearness Allowance કર્મચારીઓના વેતનના આધાર પર આપવામાં આવે છે. શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નોકરી કરનારા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ અલગ હોય છે. ડિયરનેસ એલાઉન્સની ગણતરી મૂળ વેતન પર થાય છે. મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. જે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે.