Site icon Revoi.in

લો બોલો! 69 ટકા ભારતીયોને હાલ કોરોનાની રસી લેવામાં કોઇ જ રસ નથી

Social Share

નવી દિલ્હી: દિવાળી બાદ દેશમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળા બાદ હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં લોકો વેક્સિન લેવામાં ખાસ રસ નથી દાખવી રહ્યા. કેટલાક લોકોને તો રસીની સંભવિત આડઅસર વિશે સાંભળીને જ ડર લાગી રહ્યો છે. આ અંગે કરાયેલા એક સર્વેમાં 18 હજાર લોકોને આવરી લેવાયા હતા, જેમાં તેઓ રસી લેશે કે નહીં તે અંગેના તેઓને સવાલ પૂછવામાં આવ્યા હતા.

દિલ્હીની એક કન્સલ્ટન્સી લોકલ સર્કલ્સના એક સર્વે અનુસાર, 69 ટકા લોકોને રસી લેવામાં કોઇ ઉતાવળ નથી. રસીની આડઅસરને લઇને પૂરતી માહિતી ના હોવા ઉપરાંત રસી કેટલીક અસરકારક નિવડશે તે અંગે પણ કોઇ વિગતો ઉપલબ્ધ ના હોવાથી લોકો રસી લેવામાં રસ નથી દાખવી રહ્યા. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે તેઓની રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓને રસી લેવાની કોઇ આવશ્યકતા જણાતી નથી.

દેશના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવેલા આ સર્વેમાં લોકોએ એવા પણ પ્રત્યુત્તર આપ્યા હતા કે લોકોમાં કોરના સામેની હર્ડ ઇમ્યુનિટી હવે ડેવલપ થઇ રહી છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે તેઓની રોગપ્રતિકારક શક્તિ સારી છે તેથી પહેલા તેઓ અલગ અલગ રસીઓની લોકો પર કેવી અસર થાય છે તે જોયા બાદ જ તેના પર વિચાર કરશે.

કેટલાક લોકોએ રસી ના લેવા માટેના એવા પણ તર્ક આપ્યા હતા કે રસીનું નિર્માણ કરનારી કંપનીઓ એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે, તે પણ એક વિચારવા જેવી વાત છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે, રસી ટેસ્ટિંગના રેગ્યુલર ડ્યૂરેશનને પાસ નથી કરી શકી. તેવામાં તે કેટલી અસરકારક રહેશે તે અંગે કશુ ના કહી શકાય.

(સંકેત)