Site icon Revoi.in

વીર ચક્રથી સન્માનિત વાયુસેનાના પાયલોટ અભિનંદનને ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોશન

Social Share

નવી દિલ્હી: બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે તકરાર વધી ગઇ હતી અને બંને વાયુસેનાઓ આમને સામને આવી ગઇ હતી. આ સમયમાં ભારતીય વાયુસેનાના જાંબાજ પાયલોટ અભિનંદનએ પાકિસ્તાનના F-16 લડાકૂ વિમાનને તોડી પાડ્યું હતું. હવે પાયલોટ અભિનંદનને પ્રમોશન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યારસુધી વિંગ કમાન્ડર તરીકે ફરજ અદા કરનાર અભિનંદનને હવે ગ્રૂપ કેપ્ટન તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. આ પહેલા ભારત સરકાર દ્વારા તેમને વીર ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને બદલો લેવા માટે તેના F-16 લડાકૂ વિમાનની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી પરંતુ ભારતે પણ જડબાતોડ જવાબ આપતા મિગ-21 દ્વારા તેને પીછો કર્યો હતો અને પાયલોટ અભિનંદને F-16 વિમાન તોડી પાડ્યું હતું. જો કે તેમાં અભિનંદનનું મિગ-21 પણ તૂટી પડ્યું હતું અને તેઓ પીઓકેમાં પેરાશૂટ વડે ઉતર્યા બાદ તેમને બંધક બનાવી લેવાયા હતા.

નોંધનીય છે કે, અભિનંદનની સ્કવોડ્રનને પાકિસ્તાની હુમલો નિષ્ફળ બનાવવા બદલ પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઇએ કે ભારતીય જવાનોની શહીદીનો બદલો લેવા માટે ભારતે બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરી હતી અને તેના બીજા દિવસે પાક વાયુસેનાએ ભારતની હવાઈ સીમામાં ઘૂસવાની કોશિશ કરી હતી.