- તામિલનાડુના કૂન્નુરના હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતનું મોત
- વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી
- આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત, તેમના પત્નિ સહિત 14 અધિકારીઓ હતા સવાર
નવી દિલ્હી: તામિલનાડુના કૂન્નુરમાં વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટ ક્રેશ થયું હતું. તેમાં CDS બિપિન રાવત તેમની પત્ની જોડે સવાર હતા. આ અકસ્માતમાં CDS બિપિન રાવતનું મોત થયું છે. તે ઉપરાંત તેમના પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ થયું છે. વાયુસેનાએ તેમના મોતની પુષ્ટિ કરી છે. હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને સેનાના અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થતા જ તેમાં આગ લાગી હતી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા હતા. દુર્ઘટના બાદ બચાવ ટૂકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઇ ગઇ હતી.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત ત્રણેય સેવાઓ અંગે સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. 1 જાન્યુઆરી, 2020ના રોજ જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા.
આ હેલિકોપ્ટર ક્રેશમાં 14માંથી 13 જવાનોના મોતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે. DNA ટેસ્ટથી મૃતકોની ઓળખ કરવામાં આવશે.
નોંધનીય છે કે, તામિલનાડુના કુન્નુરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી અધિકારીઓ હાજર હતા. જે જગ્યાએ આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં પણ વિલંબ થયો હતો. જો કે હવે તમામ મૃતદેહોને બહાર કાઢી લેવાયા છે.