Site icon Revoi.in

જમ્મૂ એરબેઝ હુમલામાં ચીની કનેક્શનની આશંકા, ચીને પાકિસ્તાનને આપ્યાં હતાં ડ્રોન

Social Share

નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ હુમલાની સઘન તપાસ થઇ રહી છે ત્યારે હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનમાં બનેલા ડ્રોનની મદદ લેવાઇ હતી કારણ કે ચીને તાજેતરમાં જ પાકિસ્તાનને ડ્રોન આપ્યા હતાં અને પાક. ગુપ્તચર એજન્સી ISIએ આ ડ્રોન આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને પૂરાં પાડ્યાં હતા.

જમ્મૂ એરબેઝ હુમલાની તપાસ NIAએ સોંપવામાં આવી છે ત્યારે NIAની ટીમે આ મામલે ઘટના સ્થળે પહોંચીને એરફોર્સ સ્ટેશન બહાર લાગેલા CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આ ઘટના સાથે સંકળાયેલા લોકો આ ઘટનાના સમયની આસપાસ ત્યાંથી પસાર થયા હતા. NIAને હુમલામાં ચીની કનેક્શન હોવાની પણ આશંકા છે.

તપાસ કરી રહેલા એક અધિકારી અનુસાર, ચીને થોડાં દિવસો પહેલા જ પોતાના ત્યાં તૈયાર થયેલા ડ્રોન પાકિસ્તાનને સોંપ્યા હતા. આ પહેલાં ગુપ્તચર રિપોર્ટમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ આ ડ્રોન આતંકી સંગઠનને પૂરાં પાડ્યાં હતાં. ઘટના સ્થળેથી મળેલા કાટમાળની પણ ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, ગુપ્ત અહેવાલો એવા પણ સામે આવ્યાં હતાં કે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા આ ડ્રોનને લઈને તાલિબાનના સંપર્કમાં હતા, કારણ કે તાલિબાને વર્ષ 2020માં અફઘાનિસ્તાનમાં ડ્રોન મારફતે હુમલો કર્યો હતો.

તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, હાલ તો આ મામલે સ્પષ્ટ રીતે ના કહી શકાય કે હુમલામાં વપરાયેલાં ડ્રોન સીમાપારથી આવ્યાં હતાં કે પછી ભારતીય સીમામાં જ રહેલાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ પોતાના સાથીદારોની મદદથી એ ડ્રોનને ઉડાડ્યું હતું. કારણ કે તપાસ હાલ ચાલી રહી છે.