Site icon Revoi.in

India-China Standoff – પૂર્વીય લદ્દાખમાં ચીને કર્યો યુદ્વાભ્યાસ તો ભારતે પણ રાફેલ કર્યા તૈનાત

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ભારત-ચીન વચ્ચે તણાવ ફરીથી વધ્યો છે. ચીને ફરી એક વખત પૂર્વી લદ્દાખ પાસે પોતાની તૈનાતી વધારી દીધી છે. ચીની વાયુસેનાએ તાજેતરમાં જ ભારતીય સરહદ પાસે એક વિશાળ યુદ્વાભ્યાસ પણ કર્યો હતો.

સરકારી સૂત્રોના અહેવાલ અનુસાર ચીની વાયુસેનાના અંદાજે 20 કરતા પણ વધારે લડાકૂ વિમાને પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર સામે થયેલા યુદ્વાભ્યાસમાં ભાગ લીધો હતો.

ભારતે પણ આ યુદ્વાભ્યાસ બાદ કમર કસી છે અને પોતાની ઉચ્ચ તૈયારીઓ જાળવી રાખવા ઉત્તરી સરહદમાં રાફેલ લડાકૂ વિમાન સહિત પોતાના લડાકૂ વિમાનોના કાફલાને ત્યાં તૈનાત કરીને સક્રિય કર્યા છે. ભારતની નજર લદ્દાખ સામે ચીની સરહદ પર આવેલા કાશગર, હોતાન, નગારી, ગુન્સા, શિગાત્સે, લ્હાસા, ગોગંકર, ન્યિંગચી એરબેઝ પર છે.

સરકારી સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે શિનજિયાંગ અને તિબેટ સ્વાયત્ત સૈન્ય ક્ષેત્ર ખાતે આવેલા 7 ચીની સૈન્ય ઠેકાણાઓ પર નજર રાખવા માટે ઉપગ્રહો અને મોનિટરિંગના અન્ય રૂપોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાના ફોરવર્ડ એરબેઝને પશ્ચિમી અને ઉત્તરી મોરચાઓ ખાતે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરવામાં આવ્યો છે.

બીજી તરફ ભારતીય વાયુસેના પણ ચીન સામે સજ્જ છે અને ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન પણ LAC ખાતે યુદ્વાભ્યાસ કરતા જોવા મળ્યા હતા.