Site icon Revoi.in

ચીનની અવળચંડાઇ: ભારત સરહદથી માત્ર 100 કિમી દૂર કર્યો યુદ્વાભ્યાસ

Social Share

લેહ: એક તરફ ચીન ભારત સાથે સમાધાન માટે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ અનેક ચાલ ચલીને અવળચંડાઇ દર્શાવી રહ્યું છે. ચીને વધુ એક આવી જ હરકત કરી છે. ચીને સરહદથી માત્ર 100 કિલોમીટરના અંતરે ટેન્કો, તોપો તથા ભારેખમ વાહનો તેમજ હજારો સૈનિકો સાથે યુદ્વાભ્યાસ શરૂ કર્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પશ્વિમ તિબેટમાં જ્યાં આ અભ્યાસ ચાલી રહ્યો છે તે જગ્યા ભારત સાથેની સરહદથી માંડ 100 કિલોમીટર દૂર છે. જાન્યુઆરીમાં આ પ્રેક્ટિસ ડ્રિલ યોજાઇ હતી અને તેનો 1 વીડિયો પણ ચીને જાહેર કર્યો છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં ટ્રકો, ટેન્કો તથા તોપો જોઇ શકાય છે.

કેટલાક અહેવાલો પર નજર કરીએ તો ચીને ભારતની સરહદ નજીક અનેક જગ્યાએ ટેન્કોની તૈનાતી કરી છે અને એવામાં તેઓના ઇરાદા પર શંકા ઉપજે તે સ્વાભાવિક છે. વીડિયોમાં જે ટેન્ક દેખાય છે તે પણ નવી બનાવટની હોવનું જાણકારોનું માનવું છે.

છેલ્લા 1 મહિનામાં આવેલા કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે, ચીન ભારત સરહદ નજીકના વિસ્તારોમાં પોતાની ક્ષમતા વધારી રહ્યું છે. તે પોતાના લડાકૂ જેટ્સ માટે નવા હેંગર પણ બનાવી રહ્યું છે અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભુ કરી રહ્યું છે.

નોંધનીય છે કે ગત મહિને જ ચીને સિક્કિમના નાકુ લા પાસે ઘૂસણખોરીની ચાલ અપનાવી હતી અને તેના ઇરાદાઓ પર ભારતીય સેનાએ પાણી ફેરવ્યું હતું.

(સંકેત)