Site icon Revoi.in

યુનોની સલામતી સમિતિમાં ચીનની અવળચંડાઇ, અલકાયદા સમિતિના અધ્યક્ષપદે આવતાં ભારતને અટકાવ્યું

Social Share

નવી દિલ્હી: લદ્દાખ સરહદે ચીન પોતના અટકચાળામાં નિષ્ફળ નિવડતા ભારતને અન્ય રીતે પરેશાન કરવાની ફિરાકમાં હતું અને ષડયંત્ર અમલમાં મૂકી રહ્યું હતું. યુનોની સલામતી સમિતિની એક પેટા સમિતિમાં ભારત અધ્યક્ષ ના બની શકે તે માટે ચીન કાવતરું ઘડી રહ્યું હતું. જૈશ એ મુહમ્મદના આકા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયાથી ચીન ભૂરાયું થયું હતું.

ચીનની અનેક આડોડાઇ છતાં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં ભારતને સફળતા સાંપડી હતી. ત્યારબાદ ચીન સતત યુનોમાં ભારતને હંફાવવાના પ્રયાસો કરી રહ્યું હતું. યુનોની સલામતી સમિતિ આતંકવાદીઓ સામે પગલાં લઇ શકે એવી એક પેટા સમિતિના અધ્યક્ષપદે ભારત ના આવી શકે તે માટેના ચીને કાવાદાવા શરૂ કર્યા હતા.

આપને જણાવી દઇએ કે ભારતે યુનોની સલામતી સમિતિના અસ્થાયી સભ્ય તરીકેની કામગીરી શરૂ કરી હતી. ભારતને કાઉન્ટર ટેરરીઝમ કમિટિ તેમજ તાલિબાન અને લીબિયા કમિટિનું અધ્યક્ષપદ પણ ભારતને મળ્યું હતું. પરંતુ અત્યંત મહત્વની એવી અલ કાયદા પ્રતિબંધ સમિતિના અધ્યક્ષપદે ભારત ના આવી શખે તે માટે ચીને પોતાની પૂરી તાકાત કામે લગાડી દીધી હતી.

આ એ જ સમિતિ છે જેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ મસૂદ અઝહર, હાફિઝ સૈયદ તેમજ લશ્કરે તૈયબા વગેરે પર પ્રતિબંધો મૂક્યા હતા. હાલ આ સમિતિમાં ચીન એકમાત્ર એવો દેશ છે જે ભારતને આ સમિતિના અધ્યક્ષપદે આવતાં રોકી રહ્યો છે.

અગાઉ પણ ચીને ઘણીવાર મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી રોકવાના ભારતના પ્રયાસો સામે પાકિસ્તાનને સાથ આપ્યો હતો. 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી ભારતે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનની મદદથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાવી દીધો હતો.

યુનોની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યોમાંના એકના વિશ્વસનીય સૂત્રે જણાવ્યા મુજબ અલ કાયદા પ્રતિબંધ કમિટિના અધ્યક્ષપદે ભારત ન આવી શકે એ માટે ચીન સતત કાવાદાવા કરી રહ્યું હતું. ચીનની અડીબાજીને કારણે જ કમિટિ રચવામાં વિલંબ થઇ રહ્યો હતો.

ચીનના વિરોધને કારણે પહેલીવાર એવું બનશે કે તાલિબાન પ્રતિબંધ કમિટિ અને અલ કાયદા પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ અલગ અલગ દેશો કરશે. આવતા વર્ષે ભારત કાઉન્ટર ટેરરીઝમ કમિટિના અધ્યક્ષપદે બિરાજશે. હાલ ભારત તાલિબાન પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે.

(સંકેત)