Site icon Revoi.in

પ્રજાસત્તાક દિવસ પર આતંકીઓનું હુમલાનું કાવતરું, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

Social Share

નવી દિલ્હી: 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકીઓ હુમલો કરવાનું કાવતરુ ઘડી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે અને આ દાવા બાદ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુમલાનું આ કાવતરુ ખાલિસ્તાન અને અલકાયદા જેવા સંગઠનોએ રચ્યું હોવાના રિપોર્ટ મળ્યા છે. તે ઉપરાંત આતંકીઓના પોસ્ટરો પણ જાહેર કરાયા છે.

એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે હાલ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આતંકીઓ તેનો લાભ લઇને આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. દિલ્હીના કનોડ પ્લેસના એસીપી સિદ્વાર્થ જૈને કહ્યું હતું કે અમને ઇનપૂટ મળ્યા છે કે ખાલિસ્તાની સંગઠન અને અલકાયદા સંગઠન કોઇ હિંસક ગતિવિધિઓને અંજામ આપી શકે છે. જેને પગલે અમે સુરક્ષાને લઇને કેટલાક પગલા ઉઠાવ્યા છે અને એવા સ્થળોએ સુરક્ષા વધારી દેવાઇ છે કે જ્યાં લોકો વધુ એકઠા થતા હોય.

આમ તો દર વર્ષે 15મી ઑગસ્ટ અને 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં આતંકી હુમલાના ઇનપુટ મળતા હોવાથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં છે. આતંકી સંગઠનો દર વખતે આ દિવસોને ધ્યાનમાં રાખીને જ હુમલા કરવાના પ્રયાસો કરતા રહે છે જો કે સુરક્ષા વધારી દેવામાં આવતી હોવાથી તેઓને સફળ નથી થતા દેવાયા. હાલ પોલીસ માટે સુરક્ષા પણ એક મોટો પડકાર છે. દિલ્હીની સરહદોએ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે.

ગુપ્તચર એજન્સીઓને એવા રિપોર્ટ મળ્યા છે કે ખેડૂતોના આંદોલનનો ફાયદો ઉઠાવી તેમાં આતંકીઓને કે ઉગ્રવાદીઓને ઘુસાડીને હિંસા ભડકાવવામાં આવી શકે છે. દિલ્હીના એસીપી સિદ્ધાર્થ જૈને કહ્યું હતું કે અમે વોન્ટેડ આતંકીઓના પોસ્ટરો પણ જાહેર કર્યા છે કે જેથી તેમની કોઇ પણ પ્રકારની જાણકારી લોકો પાસે હોય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે.

(સંકેત)