Site icon Revoi.in

ઓક્સફોર્ડ યુનિ.ની કોરોના વેક્સીનને ભારતમાં મંજૂરી મળવાની શક્યતા

Social Share

કોરોના વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કરાઇ રહેલી કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો ભારત સરકાર ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુકેની ડ્રગ નિયમનકારી સંસ્થા MHRA આ રસીને જેવી મંજૂરી આપે છે કે ભારત સરકાર પણ બાદમાં તેને મંજૂરી આપી દેશે.

આ રસી યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા નિર્મિત કરાઇ છે. યુકેની મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી હાલ આ રસીની ટ્રાયલના ડેટા, તેના ડોઝના પ્રમાણ સહિતની માહિતીની ચકાસણી કરી રહી છે.

ભારતમાં આ રસીનું પ્રોડક્શન સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો યુકેમાં આ રસીને ક્રિસમસ પહેલા અપ્રુવલ મળી જશે. ઉલ્લેખનીય છે કે, યુકેમાં ફાઈઝર દ્વારા બનાવાયેલી વેક્સિનને થોડા દિવસ પહેલા જ ઈમરજન્સી યુઝની મંજૂરી અપાઈ છે.

ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી છે, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. તેવામાં યુકેમાં જો તેને મંજૂરી મળી જાય તો ભારતમાં પણ તેનો અમલ થઈ શકે છે. કારણકે, ભારતમાં કંપની દ્વારા જે દરખાસ્ત મૂકાઈ છે, તેમાં તેણે યુકે અને બ્રાઝિલમાં ચાલી રહેલી ટ્રાયલનો પણ ઉલ્લેખ કર્યો છે. વધુમાં આ રસીને હજુ કોઈ દેશમાં મંજૂરી નથી મળી. આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી સંપૂર્ણ ચોકસાઈ અને સલામતી સાથે તેને મંજૂરી આપવી કે કેમ તેનો નિર્ણય લેવાશે.

વળી, રસીનો કેટલો ડોઝ અસરકારક છે તે અંગે પણ MHRA દ્વારા શું જણાવાય છે તેના પર પણ ભારતની નજર છે. આ રસીની ટ્રાયલ દરમિયાન તેના બે ફુલ ડોઝ જેમને અપાયા હતા તે લોકોમાં રસીની અસરકારકતાનું પ્રમાણ 62 ટકા રહ્યું હતું, પરંતુ 90 ટકા જેટલા નાના પેટા ગ્રુપને પહેલા હાફ અને પછી ફુલ ડોઝ આપવામાં આવ્યો હતો.

(સંકેત)