Site icon Revoi.in

31 જાન્યુઆરી સુધીમાં આગંણવાડી સેવા પૂર્વવત કરવા નિર્ણય લો: સુપ્રીમનો રાજ્યોને આદેશ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીના ફેલાવા બાદ દેશમાં માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી શાળાઓ તેમજ કોલેજોની સાથોસાથ આંગણવાડીઓ પણ બંધ થઇ હતી. ત્યારે 10 મહિના બાદ વિવિધ રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરૂઆત થઇ ચૂકી છે. જો કે દેશભરની આંગણવાડીઓ હજુ પણ બંધ છે.

આ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્ય સરકારો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો છે કે આ મહિનાના અંત સુધીમાં એટલે કે 31 જાન્યુઆરી સુધીમાં આંગણવાડીઓ સેવાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવે. જો કે જે વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે તેમને આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

અગાઉ 10 મહિનાથી બંધ આંગણવાડીને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીઓને ફરીથી શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. અરજીની અંદર કોરોનાને કારણે 14 લાખ આંગણવાડીઓ બંધ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરજીમાં એવું પણ કહેવાયું હતું કે બાળકો તેમજ માતાઓને પોષણક્ષમ આહાર મળવામાં મુશ્કેલી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આંગણવાડીના માધ્યમથી શૂન્યથી છ વર્ષના બાળકો અને ગર્ભવતી મહિલાઓને સૂકુ રાશન આપવામાં આવે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનવણીમાં તમામ રાજ્ય સરકારોને નિર્ણય લેવા માટે આદેશ આપ્યો છે.

(સંકેત)