Site icon Revoi.in

રાહતના સમાચાર! ભારતમાં બીજા દિવસે પણ 15,000 કરતા ઓછા કેસ નોંધાયા

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસને લઇને એક સારા સમાચાર છે. ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસનો આંક 15,000 કરતા નીચે નોંધાયો છે. કેરળ સહિત લગભગ તમામ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે મૃત્યુઆંક પણ 160ની અંદર નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં શુક્રવારે 14,413 કેસ નોંધાયા છે. આ પહેલા ગુરુવારે 14,617 કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં દેશમાં 157 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જેની સામે 18,002 દર્દીઓ સાજા થયા છે. દેશમાં રિવકરી રેટ 96.78 પર પહોંચી ગયો છે.

ભારતમાં આ અઠવાડિયા દરમિયાન માત્ર એક જ વાર 15,000 કરતા વધુ કેસ નોંધાયા છે, જેમાં બુધવારે 15,200 કરતા વધુ કેસ નોંધાયા હતા. જ્યારે પાછલા અઠવાડિયે 15,000 કરતા વધુ કેસ 5 દિવસ દરમિયાન નોંધાયા હતા. એટલે કે નવા કેસનો આંકડો સતત ઘટી રહ્યો છે.

જોકે, કેરળમાં સ્થિતિ એકદમ અલગ છે, અહીં દેશમાં નોંધાયા 14,413 કેસમાંથી 6,753 કેસ નોંધાયા છે, જેની દેશમાં એક દિવસમાં નોંધાયેલા કુલ કેસ સામેની ટકાવારી 47% થાય છે. સતત 4 દિવસથી અહીં 6,000 કરતા વધારે કેસ નોંધાઈ રહ્યો છે. અહીં કોરોના વાયરસના કેસ પર કાબૂ મેળવી લેવામાં આવે તો દેશમાં નોંધાતા કોરોના વાયરસના નવા કેસનો આંકડો 10,000 પર પહોંચી જાય.

મહારાષ્ટ્રમાં 2,779 નવા કેસ નોંધાયા છે, આ સાથે સતત બીજા દિવસે નવા કેસનો આંકડો 3000ની અંદર રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી કેરળ અને મહારાષ્ટ્ર સિવાય કોઈ રાજ્યોના કેસ 4 આંકડામાં નથી નોંધાયા. આ બે રાજ્યો પછી તામિલનાડુ ત્રીજા નંબરનું રાજ્ય છે જ્યાં 574 કેસ નોંધાયા છે.આ સિવાયના રાજ્યોમાં કેસ 500ની અંદર નોંધાઈ રહ્યા છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 451, છત્તીસગઢમાં 440 તેમજ પશ્વિમ બંગાળમાં 406 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં ઝડપથી નવા કેસનો આંકડો ઘટી રહ્યો છે, જ્યાં પ્રારંભમાં 674 કેસ નોંધાતા હતા ત્યારે શુક્રવારે માત્ર 324 કેસ નોંધાયા છે.

(સંકેત)