Site icon Revoi.in

IIT મદ્રાસમાં કોરોના બેકાબૂ, 100થી વધુ લોકો સંક્રમિત થતાં ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવું પડ્યું

Social Share

ચેન્નાઇ: તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીંયા કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે. કોરોનાના વધતા સંક્રમણ બાદ સંસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની પુષ્ટિ થઇ છે તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.

એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંક્રમિત લોકોની સંખ્યામાં હજુ પણ વધારો થશે. આ અંગે તામિલનાડુના આરોગ્ય સચિવ જે.રાધાકૃષ્ણને કહ્યું કે અંદાજે 104 લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઇ છે. તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, સંસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહોતુ થતું. મોટા ભાગના વિદ્યાર્થીઓ પરિસરમાં માસ્ક વિના આવતા-જતાં હતા અને અનેક જગ્યાએ ઘણા લોકો એક સાથે એકઠા થઇ જતા હતા. આ બધા કારણોસર કોરોના સંક્રમણ ફેલાયું હોવાનું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. કેમ્પસમાં અંદાજે 774 વિદ્યાર્થીઓ છે અને સૌથી વધુ પોઝિટિવ કેસ કૃષ્ણા અને યમુના હોસ્ટેલમાંથી સામે આવ્યા છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રીની સૂચનાથી તમામ સંક્રમિતોની સારવાર કેપીએમઆરમાં કરવામાં આવી રહી છે. બધાની સ્થિતિ હાલ સામાન્ય છે અને તેઓ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. હાલમાં ઇન્સ્ટિટ્યૂટની તમામ લેબો અને વિભાગો બંધ કરી દેવામાં આવ્યા છે.

(સંકેત)

Exit mobile version