Site icon Revoi.in

અયોધ્યામાં રામ મંદિર માટેની આસ્થા-સમર્પિતતાનું પ્રેરક દ્રષ્ટાંત: જીવનની અંતિમ ઘડીએ પણ રામ મંદિર માટે અર્પણ કરી નિધિ

Social Share
સંકેત. મહેતા

અનેક વર્ષોની પ્રતિક્ષાના ફળસ્વરૂપે હવે અયોધ્યામાં એ શુભ ઘડી આવી ચૂકી છે જ્યારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણનો પ્રારંભ થઇ ચુકયો છે. આ મંદિરના નિર્માણ કાર્ય અર્થે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન પ્રત્યે પ્રત્યેક કાર્યકર્તા અને શ્રદ્વાળુઓનો અપાર ઉત્સાહ, ઉમંગ અને હર્ષ જોવા મળી રહ્યો છે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય માટે જે શ્રદ્વાળુઓ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે તે ખરા અર્થમાં ગૌરવ લેવા જેવી બાબત છે. રામ મંદિરના નિર્માણ કાર્ય માટે લોકો દ્વારા આસ્થાપૂર્વક કરવામાં આવતું અનુદાન એ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પ્રત્યેની દેશભરના શ્રદ્વાળુઓ અને કાર્યકર્તાઓની આસ્થા, ઉત્સાહ અને સમર્પિતતાને ચોક્કસપણે દર્શાવે છે.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પ્રત્યેની શ્રદ્વાળુઓની ભક્તિ, આસ્થા અને સમર્પિતતાનું એક ઉત્કૃષ્ટ અને સમાજને પ્રેરકરૂપ એવું દ્રષ્ટાંત જોવા મળ્યું છે. ભરૂચમાં આ પ્રેરકરૂપ દ્રષ્ટાંત જોવા મળ્યું છે. અહીંયા શ્રવણ સ્કૂલના પ્રાથમિક વિભાગના આચાર્ય અને ભરૂચ પાલિકાના કાઉન્સિલર ભારતી બહેનના પતિ અને સહકાર ભારતી સંસ્થાના કાર્યકર્તા નિલેશ ભાઇનું રાત્રે 1 વાગે અવસાન થયું અને રાત્રે 1.30 વાગ્યે  તેમના હસ્તે અન્ય એક કાર્યકર્તાને નિધિ અર્પણ કરી હતી.

પ્રાથમિક વિભાગના આચાર્ય ભારત બહેનના દિવંગત પતિ નિલેશ ભાઇ જેવા કાર્યકર્તાની પ્રભુ શ્રી રામ અને રામ મંદિર પ્રત્યેની આસ્થા, ઉત્સાહ, સમર્પિતતા એ તેમની આ નિધિ અર્પણ કરવાની વાતથી જોઇ શકાય છે. જીવનની અંતિમ ઘડીએ અને અંતિમ શ્વાસ દરમિયાન પણ પ્રભુ શ્રી રામ અને રામ મંદિર પ્રત્યેની તેમની સમર્પિતતા અને શ્રદ્વા ખરા અર્થમાં રામ મંદિર માટેની પ્રત્યેક દેશવાસીઓની આસ્થાને પ્રેરક રીતે દર્શાવી જાય છે.

દેશમાં નિલેશભાઇ જેવા અન્ય અનેક કાર્યકર્તાઓ અને શ્રદ્વાળુઓ રામ મંદિરના નિર્માણ કાર્ય માટે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે નિધિ અર્પણ કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને જે રીતે નિધિ એકત્ર થઇ રહી છે તે દેશના પ્રત્યેક શ્રદ્વાળુઓના રામ મંદિર નિર્માણ પ્રત્યેના ઉત્સાહ, ઉંમગ અને હર્ષને દર્શાવે છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન અંતર્ગત માત્ર ગુજરાતમાંથી પ્રથમ તબક્કામાં 100 કરોડ રૂપિયાની નિધિનું સમર્પણ થયું છે. હવે 31 જાન્યુઆરીથી વિશ્વ હિંદુ પરિષદ બીજા તબક્કાનું અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.

ગુજરાત શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિ દ્વારા હવેથી બીજા તબક્કાનું સમર્પણ નિધિ અભિયાન શરૂ થશે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલનાર શ્રી રામ જન્મ ભૂમિ તિર્થક્ષેત્રના નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત બીજા તબક્કા વિશ્વ હિન્દુ પરિષધ તથા સંઘ અને વિચાર સંસ્થાઓના કાર્યકર્તાઓ હવે ઘરે ઘરે સંપર્ક કરીને પ્રત્યેક હિન્દુને મંદિર નિર્માણ કાર્ય સાથે જોડવાના છે.

રૂપિયા 10, 100 અને 1000ની પાવતી દ્વારા ગુજરાતના 18556 ગામોમાં પ્રત્યેક ઘર સુધી પહોંચવાનો સંકલ્પ કરાયો છે. બીજા તબક્કાનું અભિયાન 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં તમામ વર્ગના લોકોએ રામજન્મ તિર્થ ભુમિ ક્ષેત્ર માટે નિધિ સમર્પણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે રામભકતોની આસ્થાને મંદિરના નિર્માણ સાથે જોડવા વિશ્ર્વ હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિતની સંસ્થાના નેજા હેઠળ સમર્પણ નિધી એકત્રીકરણનું આયોજન કરાયું છે. જિલ્લામાં મંદિર નિર્માણ નિધી સમર્પણ સમિતિ બનાવી શહેર અને ગ્રામ્ય માટે જુદી-જુદી 421 ટીમ બનાવાઈ છે જેમાં 5 હજારથી પણ વધુ અગ્રણી-કાર્યકરો જોડાઇ જિલ્લામાં અંદાજે 1.25 લાખ પરિવારોના 15 લાખથી વધુ લોકો સુધી પહોંચવા આગવું આયોજન કરાયું છે.