Site icon Revoi.in

મહિલાઓ હવે મે 2022થી આ પ્રવેશ પરીક્ષા આપી શકશે

Social Share

નવી દિલ્હી: ભારતની મહિલાઓ માટે ખુશખબર છે. મે 2022થી મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષા આપી શકશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપી છે.

મહિલાઓને NDAની પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જાણકારી આપી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સંબંધમાં પગલાં ભરવાનું જણાવ્યું હતું.

તે ઉપરાંત કેન્દ્ર સરકારે ડિફેન્સ સર્વિસ માટે એક સ્ટડી સમૂહની પણ રચના કરી છે. જેમાં ભારતીય શસ્ત્ર દળોની ડિફેન્સ સર્વિસ તાલીમ સંસ્થાન તેમજ અધિકારીઓના એક બોર્ડ તથા વિશેષજ્ઞ સામેલ છે જે મહિલા ઉમેદવારો માટે એક વ્યાપક પાઠ્યક્રમ તૈયાર કરશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જણાવ્યું છે કે, પુરુષો માટે પહેલાથી જ NDA માટે શારીરિક માપદંડ બનાવાયા છે પરંતુ હવે મહિલા અધિકારીઓ માટે યોગ્ય મેડિકલ માપદંડ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ છે. એકેડમીમાં સામેલ થતા પહેલા આવું કરવાની આવશ્યકતા છે. સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા મહાનિર્દેશાલય અને વિશેષજ્ઞોનું યુનિટ ત્રણેય ડિફેન્સ સેવાઓ માટે જરૂરી અભ્યાસ કરશે તેમજ તેમની ઉંમર, તાલમીની પ્રકૃત્તિ જેવા જુદા જુદા પરિબળોને ધ્યાનમાં રાખીને મેડિકલ માપદંડો નક્કી કરશે.

તે ઉપરાંત એફિડેવિટમાં એવું પણ જણાવ્યું છે કે, આવાસ, તાલીમ ક્ષમતા, સુરક્ષા અને પ્રાઇવેટ, રહેવા માટેના ક્વાર્ટરો, સંબંધિત શારીરિક અને ઇલેક્ટ્રોનિક દેખરેખના ઉપાયો સંબંધિત કામ કરવામાં આવશે. મહિલા ઉમેદવારોના આવાસ પણ પુરુષ આવાસોથી દૂર રાખવામાં આવશે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે 8 સપ્ટેમ્બરે મહિલા ઉમેદવારોને NDAની પરીક્ષામાં બેસવા દેવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર આ વર્ષે છૂટ લેવા માગે છે જેના માટે નવેમ્બર મહિનામાં પરીક્ષા યોજાશે.