Site icon Revoi.in

ભારતમાં હવે ટ્રેનો 4G પર દોડશે, મુસાફરી થશે વધુ સુરક્ષિત

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવેને 700 મેગાહર્ટઝ બેન્ડમાં 5 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવણીની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેનાથી રેલવેને મુસાફરોની સુરક્ષામાં વધારો થશે.

હવે ભારતની ટ્રેનો 4જી પર દોડશે. જો કે, રેલવેને જે સ્પેક્ટ્રમ મળ્યું છે, તેના પર તે 4G અને 5G બંને નેટવર્ક ડેવલપ કરી શકે છે, પરંતુ હાલ રેલવે 4G પર કામ કરશે. હાલમાં રેલવે પાસે માત્ર 2G સ્પેક્ટ્રમ જ છે, જેના કારણે સિગ્નલિંગ અને કોમ્યુનિકેશનમાં ઘણી વખત સમસ્યા થાય છે.

આ સ્પેક્ટ્રમની સાથે ભારતીય રેલવે પોતાના માર્ગ પર ‘એલટીઈ’ આધારિત મોબાઈલ ટ્રેન રેડિયો કોમ્યુનિકેશન આપી શકશે. રેલવે હાલમાં પોતાના કોમ્યુનિકેશન નેટવર્ક માટે ઓપ્ટિકલ ફાઈબર પર નિર્ભર છે, પરંતુ નવા સ્પેક્ટ્રમની ફાળવણી બાદ તે વધુ ઝડપવાળા રેડિયોનો ઉપયોગ કરી શકશે. 2G અને 4Gમાં કેટલો ફરક છે, તેનો અનુભવ હાલમાં આખો દેશ કરી રહ્યો છે. તો અંદાજ લગાવી શકાય છે કે, રેલવેને 4G સ્પેક્ટ્રમ મળવાનો નિર્ણય કેટલો મોટો છે.

ભારતીય રેલવેએ સ્વદેશમાં વિકસિત સ્વયંસંચાલિત ટ્રેન અકસ્માત બચાવ ટેકનોલોજીને મંજૂરી આપી છે. આ ફાળવણીથી રેલવે કોમ્યુનિકેશન અને સિગ્નલિંગ નેટવર્ક બંને વધુ સારા બનશે. હાલમાં 2G સ્પેક્ટ્રમમાં સિગ્નલિંગ નેટવર્કમાં ઘણી વખત મોડું થઈ જાય છે. 4G આવ્યા બાદ રેલવેમાં આ મુશ્કેલી દૂર થઈ જશે. સિગ્નલિંગ વધુ સારું થવાથી બે ટ્રેનોની વચ્ચે થતા અકસ્માતને રોકતી ટેકનોલોજી વધુ સારી રીતે કામ કરી શકશે.

ભારતીય રેલવે મુજબ, એલટીઈ (લોંગ ટર્મ ઈવોલ્યૂશન)નો હેતુ ઓપરેશનલ, સુરક્ષા વગેરે માટે સુરક્ષિત અને વિશ્વાસપાત્ર અવાજ, વીડિયો અને આંકડા સંબંધી કોમ્યુનિકેશન સેવાઓ પૂરી પાડવાનો છે. હાલની 2G વ્યવસ્થામાં રેડિયો કોમ્યુનિકેશન પણ ઝડપથી નથી થઈ શકતું. સાથે જ રેડિયો પર અવાજ પણ સ્પષ્ટ નથી આવતો. તેનાથી ઈન્ટરનેટ ઓફ થિંગ્સને પણ મજબૂતી મળશે, જેથી કોચ, વેગન અને એન્જિનનું મોનિટરિંગ સરળ થઈ જશે.