Site icon Revoi.in

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમમાં સુનાવણી, સુપ્રીમે કહ્યું – જો રિપોર્ટ સાચા તો આરોપ છે ગંભીર

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસૂસી કાંડ અંગે સુનાવણી થઇ હતી. હવે આગામી સુનાવણી 10મી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, જો સમાચાર સાચા છે તો આરોપ ખૂબ ગંભીર છે. કોર્ટે અરજીકર્તાના વકીલને એ પણ પૂછ્યું કે શું તેની પાસે જાસૂસી કાંડના કોઇ પૂરાવા છે?

કેસની સુનાવણી શરૂ થતા જ ચીફ જસ્ટિસે અરજીકર્તાના વકીલને પૂછ્યું હતું કે, તમારી અરજીમાં અખબારના સમાચાર સિવાય શું છે? અમે કેમ તેને સાંભળીએ? તેના પર અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ ટેક્નોલોજી દ્વારા ગોપનિયતા પર હુમલો છે. માત્ર એક ફોનની જરૂર છે અને અમારી એક-એક ગતિવિધિ પર નજર રાખી શકાય છે. આ રાષ્ટ્રીય ઇન્ટરનેટ સુરક્ષાનો પણ સવાલ છે.

આ બાદમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે આ એક ગંભીર વિષય છે. પરંતુ એડિટર્સ ગિલ્ડને છોડી બધી અરજી અખબાર પર આધારિત છે. તપાસના આદેશ આપવા માટે કોઇ મજબૂત આધાર જોવા મળી રહ્યો નથી. આ મુદ્દો વર્ષ 2019માં પણ ચર્ચામાં આવ્યો હતો. અચાનક ફરી ગરમ થઇ ગયો છે. તમે બધા અરજીકર્તા ભણેલા ગણેલા છો. તમે જાણો છો કે ક્યાં પ્રકારના મામલામાં કોર્ટ દખલ આપે છે.

તેના પર સિબ્બલે કહ્યુ- તે સાચુ છે કે અમારી પાસે કોઈ સીધા પૂરાવા નથી. પરંતુ એડિટર્સ ગિલ્ડની અરજીમાં જાસૂસીના 37 મામલાનો ઉલ્લેખ છે. સિબ્બલે વોટ્સએસ અને એનએસઓ વચ્ચે કેલિફોર્નિયાની કોર્ટમાં ચાલેલા એક કેસનો હવાલો પણ આપ્યો હતો. કહ્યું કે પેગાસસ જાસૂસી કરે છે, તે સ્પષ્ટ છે. ભારતમાં કરી કે નહીં, તે સવાલ છે.

ચીફ જસ્ટિસે કહ્યુ- અમે વાંચ્યુ છે કે NSO માત્ર કોઈ દેશની સરકારને સ્વાઈવેર આપે છે. કેલિફોર્નિયા કેસનું અત્યારે સ્ટેટસ શું છે? અમને નથી લાગતું કે ત્યાં તે વાત નિકળીને આવી છે કે ભારતમાં કોઈની જાસૂસી થઈ. સિબ્બલે જવાબ આપ્યો- સંસદમાં અસદુદ્દીન ઓવૈસીના સવાલ પર મંત્રી માની ચુક્યા છે કે ભારતમાં 121 લોકોને નિશાના પર લેવામાં આવ્યા હતા. આગળનું સત્ય ત્યારે સામે આવશે જ્યારે કોર્ટ સરકાર પાસે જાણકારી લે. મહેરબાની કરી નોટિસ જારી કરો.

સીજેઆઈએ પૂછ્યુ કે અમારા તે સવાલનો જવાબ મળ્યો નથી કે બે વર્ષ બાદ આ મામલો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે? સિબ્બલે જવાબ આપ્યો- સિટીઝન લેબે નવા ખુલાસા કર્યા છે. હવે જાણ થઈ કે કોર્ટના રજીસ્ટ્રાર અને એક પૂર્વ જજનો નંબર નિશાના પર હતો. આ સ્પાઇવેર મોબાઇલનો કેમેરો અને માઇક ઓન કરી બધાની વ્યક્તિગત ગતિવિધિઓને લીક કરે છે.