Site icon Revoi.in

પીએમ મોદીની મોટી જાહેરાત, યોગ દિવસથી દેશના 18+ નાગરિકોને ફ્રીમાં મળશે કોરોના વેક્સિન

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ મોટી જાહેરાત કરી હતી. યોગ દિવસ એટલે કે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા લોકોને ભારત સરકાર દ્વારા નિ:શુલ્ક વેક્સિન લગાવવામાં આવશે અને હવે કેન્દ્ર સરકાર આ કામ કરશે.

પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારે વેક્સિન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમાં સામેલ થઇ જશે.

વેક્સિન અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા ખાનગી હોસ્પિટલો લઇ શકશે, આ વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલો કોરોનાની નિર્ધારિત કિંમત ઉપરાંત દરેક ડોઝ પર મહત્તમ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઇ શકશે.

કોરોના સામેની લડત અંગે પીએમ મોદી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર સામેની લડત ચાલુ છે. વિશ્વના અનેક દેશોની જેમ ભારતે પણ મોટા સંકટ અને પીડામાંથી પસાર થયું છે. ઘણા લોકોએ આ મહામારી દરમિયાન પોતાના પરિવારજનો ગુમાવ્યા છે. આવા પરિવારો સાથે મારી સંવેદનાઓ છે.

ફ્રી રાશનની જાહેરાત

વેક્સિન ઉપરાંત પીએમ મોદીએ વધુ એક મોટી જાહેરાત કરી છે કે હવે નવેમ્બર 2021 સુધી દેશના 80 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગત વર્ષે પણ આ સ્કીમ ચલાવી હતી. કોરોનાની બીજી લહેર વચ્ચે ફરીથી સંકટ ઉપસ્થિત થયું છે એટલે સરકાર આ સ્કીમ લાવી છે.