Site icon Revoi.in

કોરોના મહામારીથી દેશવાસીઓ જે દુ:ખ અનુભવી રહ્યા છે, તે હું પણ અનુભવી શકું છું: PM મોદી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 19000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી ખેડૂતોને સંબોધન કર્યું હતું અને સાથોસાથ કોરોના મહામારી અંગે પણ વાત કરી હતી.

પીએમ મોદીએ કોરોના મહામારીમાંથી પસાર થઇ રહેલા દેશને લઇને પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કોરોના સામે લડવા માટે લોકોને હિંમત રાખવાનો સંદેશ આપ્યો હતો.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના દેશનો અદ્રશ્ય દુશ્મન છે અને બહુરુપી પણ છે. જેની સામે આપણે બધા ભેગા મળીને લડવું પડશે. ભારત હાર નહીં માનનારો દેશે છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભારત આ વાયરસનો દ્રઢતાપૂર્કવ સામનો કરશે. કોરોના વાયરસ આપણી પરીક્ષા લઇ રહ્યો છે પરંતુ આપણે હારવાનું નથી.

તેમણે ઉમેર્યું હતું કે કોરોના મહામારી દરમિયાન દેશના લોકો જે સ્થિતિમાં પસાર થઇ રહ્યા છે તેનો મને અહેસાસ છે. છેલ્લા કેટલાક સમયથી દેશવાસીઓએ જે સહન કર્યું છે અને જે પીડા વેઠી છે, તેઓ જે તકલીફમાંથી પસાર થયા છે, તેને હું સારી રીતે સમજી શકું છું. તેઓ જે દુ:ખ અનુભવી રહ્યા છે તે જ દુ:ખ હું અનુભવી રહ્યો છું.

ઓક્સિજન પ્લાન્ટ વિશે પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશમાં ઓક્સિજન સપ્લાય વધારવા માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે અને બહુ જલ્દી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાશે. દેશની તમામ હોસ્પિટલમાં મફત કોરોનાની રસી આપવામાં આવી રહી છે તેથી મારી અપીલ છે કે જ્યારે પણ વારો આવે ત્યારે વેક્સિન અવશ્ય લઇ લો. આ રસી કોરોના વાયરસ વિરુદ્વ તમારા માટે સુરક્ષા ક્વચ જેવું કામ કરશે.

ઓક્સિજન ટ્રેનોએ કોરોના સામેના જંગમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રકારની ટ્રેનો દેશના વિવિધ હિસ્સાઓમાં ઓક્સિજન પૂરો પાડી રહી છે. ઓક્સિજન ટેન્કરોથી ઓક્સિજન પહોંચાડવા માટે ડ્રાઇવરો અવિરત કામ કરી રહ્યા છે.