Site icon Revoi.in

ભારતે કોરોના વેક્સિનની નિકાસ પર રોક લગાવતા અનેક ગરીબ દેશોની હાલત કફોડી થઇ

Social Share

નવી દિલ્હી: ગત વર્ષે કોરોના મહામારીની દસ્તક બાદ ભારતે વેક્સિનની જરૂરિયાત ધરાવતા અનેક દેશોને મોટા પાયે વેક્સિનની નિકાસ કરી હતી, જો કે બાદમાં હવે ભારતમાં જ મોટા પાયે વેક્સિનની અછતને ધ્યાનમાં રાખતા હવે ભારતે અન્ય દેશમાં વેક્સિનની નિકાસ પર રોક લગાવી દીધી છે. ભારતના આ પગલાંથી જો કે જરૂરિયાતમંદ દેશોના લાખો લોકોને ઝટકો લાગ્યો છે. ઘણી જગ્યાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂકેલા લોકોને ચિંતા સતાવી રહી છે કે તે લોકોને બીજો ડોઝ મળશે કે નહીં.

ભારતના વેક્સિનની નિકાસ પર રોકના નિર્ણયથી અનેક વિકાસશીલ દેશોની હાલત કફોડી થઇ છે. કેન્યા પણ આવા જ એક દેશમાંથી છે. ભારતમાં હાલમાં કોરનાની બીજી લહેરથી પ્રકોપ વધ્યો છે ત્યારે ભારતમાં વેક્સિનેશન ઝડપી બને અને સ્થાનિક માંગને પહોંચી વળવાની આવશ્યકતાનું નિર્માણ થયું છે.

મૂળે, ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવેક્સ પ્રોગ્રામ અંતર્ગત 5 કરોડની વસ્તીવાળા કેન્યાને એસ્ટ્રાજેનેકા વેક્સીનના 10 લાખ ડોઝ આપ્યા હતા. 30 લાખ ડોઝનો બીજો જથ્થો જૂનમાં જવાનો હતો, પરંતુ ભારતે નિકાસ રોકી દીધી છે. કેન્યાના આરોગ્ય મંત્રાલયના કાર્યકારી ડિરેક્ટર પેટ્રિક એમથનું કહેવું છે કે, ‘અમારી પાસે વેક્સીન હોત તો અમે અમારા પ્લાનનો બીજો તબક્કો શરૂ કરી દેત.’ તેમણે આશા વ્યક્ત કરી કે, ભારતમાં જલદી સ્થિતિ સામાન્ય થઈ જશે. તે સાથે-સાથે જોનસન એન્ડ જોનસન અને ફાઈઝરની વેક્સીન મેળવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ ભારતમાંથી ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને દક્ષિણ કોરિયાને પણ વેક્સિન ના મળતા ઝટકો લાગ્યો છે. ઇન્ડોનેશિયાએ હવે મજબૂરીમાં ચીનની મદદ માંગી છે અને ઉત્પાદન વધારવા માટે પેટન્ટ હટાવવાની અપીલ કરી છે. હાલમાં ઘાના, કેન્યા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા જેવા ગરીબ દેશો કોવેક્સ પર નિર્ભર છે, પરંતુ તેમની પાસે હાલમાં હવે વેક્સિનેશન અભિયાન રોકવા સિવાય કોઇ છૂટકો નથી.

યુનિસેફ અનુસાર, ભારતે નિકાસ રોકતા જૂનના અંત સુધીમાં વિશ્વભરમાં 19 કરોડ ડોઝની અછત સર્જાશે. તેનાથી ગરીબ દેશો પાછળ રહી જશે અને વાયરસને ડામવાના વૈશ્વિક પ્રયાસોની ગતિને પણ બ્રેક લાગશે. તે પણ એવા સમયે જ્યારે ખતરનાક વેરિયન્ટ સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે, ભારતના પાડોશીઓ- નેપાળ, શ્રીલંકા, માલદીવથી લઈને આર્જેન્ટીના અને બ્રાઝીલ જેવા દેશોમાં પણ સ્વાસ્થ્ય સુવિધા ડામાડોળ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં હાલમાં પહેલો ડોઝ આપવાનો કાર્યક્રમ જ રોકી દેવો પડ્યો છે.