Site icon Revoi.in

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રીદિવસીય બેઠકનો આરંભ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઇને ઠરાવ પસાર

Social Share

નવી દિલ્હી: આજે કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની ત્રણ દિવસીય બેઠકનો સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ ભારત માતાના ચિત્ર પર પુષ્પાજંલિ અર્પણ કરીને આરંભ કરાવ્યો હતો. આ બેઠકમાં દેશભરના 350 કાર્યકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

આ બેઠકમાં પ્રાંત સંઘચાલકો, કાર્યવાહ, પ્રચારકો, અખિલ ભારતીય કાર્યકારીણીના સભ્યો સહિત કેટલીક સંસ્થાઓના સેક્રેટરીઓ સહિતના લોકો ભાગ લેશે.

બેઠક દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ અરુણ કુમારજીએ કહ્યું હતું કે, કાર્યકારી મંડળની બેઠકમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાને લઇને ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હિંસક હુમલા પર અખિલ ભારતીય કાર્યકારી મંડળે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ત્યાં હિંદુ લઘુમતીઓ પર સતત થતા ક્રૂર હુમલાઓ તેમજ જિહાદી સંગઠનો દ્વારા થતા ઇસ્લામીકરણના ષડયંત્રની સંઘે ઘોર નિંદા કરી હતી.

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમાજ તેમજ હિંદુ મંદિરો પર હિંસક હુમલાઓનો ક્રમ સતત ચાલી રહ્યો છે. દૂર્ગા પુજાના પવિત્ર પર્વ દરમિયાન થયેલી સાંપ્રદાયિક હિંસામાં અનેક નિર્દોષ હિંદુઓની હત્યા કરી નાખવામાં આવી હતી. સેંકડો હિંદુઓ ઇજાગ્રસ્ત થયા અને હજારો પરિવાર નિરાધાર થયા. ગત બે સપ્તાહમાં હિંદુ સમાજની અનેક માતા-બહેનો અત્યાચારનો શિકાર બની અને મંદિરો તેમજ દુર્ગા-પંડાલનું પણ વિધ્વંસ જોવા મળ્યું.

સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક પાયાવિહોણા સમાચાર ફેલાવીને સાંપ્રદાયિક ઉન્માદને ફેલાવનારા દોષિતોની ધરપકડથી એ ફલિત થાય છે કે, કટ્ટરપંથી ઇસ્લામિક શક્તિઓનો વર્તમાન હુમલો એ એક સુનિયોજીત કાવતરું છે. હિંદુ સમાજને લક્ષ્ય બનાવીને તેઓ પર સતત થતી હિંસા અને અત્યાચાર બાંગ્લાદેશમાંથી હિંદુઓને સંપૂર્ણપણે હાકી કાઢવાની એક સુનિયોજીત ચાલ છે. આ જ કારણોસર ભારત વિભાજન સમયથી હિંદુ સમાજની જનસંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.

અખિલ ભારતીય કાર્યકારી મંડળ એ અભિપ્રાય વ્યક્ત કરે છે કે, બાંગ્લાદેશની સરકાર દેશના લઘુમતી સમાજની વિરુદ્વ વધી રહેલી હિંસક ઘટનાઓને રોકવા માટે સખ્ત પગલાં ઉઠાવે. તે ઉપરાંત હિંદુઓ પર હિંસા કરનારા અપરાધીઓને બાંગ્લાદેશની સરકાર કઠોર સજા આપીને તે પણ સુનિશ્વિત કરે કે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને સુરક્ષિત જીવન જીવી શકે છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારો અને દમન પર સંયુક્ત રાષ્ટ્ર સંઘથી સંબંધિત સંસ્થાઓના મૌન પર અખિલ ભારતીય કાર્યકારી મંડળ ચિંતા વ્યક્ત કરે છે અને મંડળે આ પ્રકારની સંસ્થાઓને આગળ આવીને બાંગ્લાદેશમાં હિંદુ, બૌદ્વ અને અન્ય લઘુમતી સમાજ પર થઇ રહેલા દમન વિરુદ્વ અવાજ ઉઠાવવાનું આહવાન કર્યું હતું.

અખિલ ભારતીય કાર્યકારી મંડળે સાથોસાથ એ પણ ચેતવણી ઉચ્ચારી હતી કે બાંગ્લાદેશ સહિતના વિશ્વના કોઇપણ દેશમાં કટ્ટરપંથી ઇસ્લામિક શક્તિનું વધતુ સામર્થ્ય એ વિશ્વના શાંતિપ્રિય દેશોની લોકતાંત્રિક વ્યવસ્થા અને માનવાધિકારો માટે ગંભીર ખતરો બની શકે છે. તેથી અખિલ ભારતીય કાર્યકારી મંડળે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો કે, તેઓ દરેક રાજનીતિક માધ્યમોથી બાંગ્લાદેશમાં થઇ રહેલા હુમલા તેમજ માનવાધિકારના ઉલ્લંઘન વિશે વિશ્વભરના હિંદુ સમાજ તથા સંસ્થાઓની ચિંતાથી બાંગ્લાદેશની સરકારને અવગત કરાવે જેથી ત્યાં હિંદુ અને બૌદ્વ સમાજની સુરક્ષા અને સલામતી સુનિશ્વિત થઇ શકે.

આ બેઠકમાં સંઘની સાંપ્રત સ્થિતિ, કાર્ય વિસ્તરણ અને કાર્યકર્તાઓની અનેકવિધ કામગીરી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તાજેતરના સમયમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હિંસક હુમલાઓ પર પણ ઠરાવ પસાર કરવામાં આવશે.